15 ઓગસ્ટ માટે પીએમ મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ને દરેક ઘરમાં ઉત્સવ બનાવો


15 ઓગસ્ટ માટે પીએમ મોદીની અપીલ: ‘હર ઘર તિરંગા’ને દરેક ઘરમાં ઉત્સવ બનાવો


PM Modi Har Ghar Tiranga 2026: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ શેર કરીને લોકોને ‘હર ઘર તિરંગા’ અભિયાનને દરેક ઘરમાં ઉત્સવ તરીકે ઉજવવા આહ્વાન કર્યું છે.
‘હર ઘર તિરંગા’ને ઉત્સવ બનાવો: PM મોદી
વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 15 ઓગસ્ટના રોજ ગર્વ અને સન્માન સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “હર ઘર તિરંગા, હર ઘર તિરંગા, હર દિલમાં તિરંગા.” પીએમ મોદીએ દરેક ઘરમાં તિરંગો ફરકાવવા સાથે સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવા પણ અપીલ કરી છે.
15 ઓગસ્ટ પહેલાં પીએમ મોદીનો વીડિયો સંદેશ
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં પીએમ મોદીનો આ વીડિયો સંદેશ સામે આવ્યો છે. દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત લોકોને પોતાના ઘર, દુકાન, કાર્યાલય અને અન્ય સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
શું છે ‘હર ઘર તિરંગા’ અભિયાન?
‘હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમિયાન કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે સ્વાતંત્ર્ય દિવસ પહેલાં આ અભિયાન અંતર્ગત દેશવાસીઓને પોતાના ઘરો પર તિરંગો ફરકાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે. અભિયાનનો હેતુ માત્ર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ લોકોમાં તિરંગા પ્રત્યે ગૌરવ, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો પણ છે.
દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશના વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા, સામૂહિક ધ્વજારોહણ અને અન્ય દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકો પોતાના પરિવાર અને આસપાસના લોકો સાથે મળીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.




