મોદી કેબિનેટમાં આ મહિને મોટો ફેરબદલ? બે ડઝનથી વધુ મંત્રીઓના વિભાગ બદલાય તેવી ચર્ચા, DMKની એન્ટ્રીની પણ અટકળ


મોદી કેબિનેટમાં આ મહિને મોટો ફેરબદલ? બે ડઝનથી વધુ મંત્રીઓના વિભાગ બદલાય તેવી ચર્ચા, DMKની એન્ટ્રીની પણ અટકળ


Modi Cabinet Reshuffle 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારમાં આ મહિને મોટા ફેરબદલની અટકળોએ ફરી જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારમાં બે ડઝનથી વધુ મંત્રીઓના વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક મંત્રીઓની જવાબદારી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે કેટલાક નેતાઓને નવી અથવા વધુ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે હજુ સુધી સરકાર અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેબિનેટમાં ફેરફારની ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ભાજપે સંગઠન સ્તરે પણ મહત્વના ફેરફારો કર્યા છે. આગામી વિધાનસભા ચૂંટણી, પ્રાદેશિક સંતુલન અને મંત્રીઓના કામગીરીના આધારે સરકારમાં જવાબદારીઓનું પુનઃગઠન થઈ શકે છે.
પીયૂષ ગોયલની જવાબદારી યથાવત રહેવાની શક્યતા
મીડિયા રિપોર્ટ્સમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું નામ પણ ચર્ચામાં છે. ભાજપે તેમને પાર્ટીના ખજાનચી તરીકે જવાબદારી સોંપી છે. તેમ છતાં, વાણિજ્ય અને વેપાર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે યથાવત રહી શકે તેવી ચર્ચા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર અને વિવિધ દેશો સાથેના વેપાર કરારોમાં ગોયલની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ધર્મેન્દ્ર પ્રધાન ફરી કેન્દ્રમાં આવી શકે?
ધર્મેન્દ્ર પ્રધાન અંગે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ભવનના સત્તાવાર આદેશ મુજબ ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. હવે કેટલાક અહેવાલોમાં પ્રધાનને અન્ય કોઈ મંત્રાલય સાથે ફરી કેન્દ્ર સરકારમાં સ્થાન મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 19 ઓગસ્ટના એક અહેવાલમાં પણ તેમના કેબિનેટમાં વાપસીની સંભાવનાનો ઉલ્લેખ થયો છે.
હરદીપ પુરીનું ભવિષ્ય પણ મહત્વનું
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીનો રાજ્યસભા કાર્યકાળ 25 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થવાનો છે. તેથી આગામી મહિનાઓમાં તેમનું રાજ્યસભા પુનઃનામાંકન થાય છે કે નહીં તેના આધારે તેમના મંત્રીપદ અંગે પણ નિર્ણય મહત્વનો બની શકે છે. જો તેમને ફરી રાજ્યસભામાં મોકલવામાં ન આવે તો મંત્રી તરીકે તેમની સ્થિતિ પર પણ અસર થઈ શકે છે. જોકે, આ અંગે પણ અંતિમ નિર્ણય ભાજપના કેન્દ્રીય નેતૃત્વ પર નિર્ભર રહેશે.
કેબિનેટમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની ચર્ચા
કેબિનેટ ફેરબદલમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાની શક્યતા અંગે પણ ચર્ચા છે. રાજસ્થાનની ભાજપ નેતા અલકા ગુર્જરનું નામ સંભવિત ચહેરા તરીકે ચર્ચાઈ રહ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. નોંધનીય છે કે અલકા ગુર્જર 2026માં રાજસ્થાનમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાઈ ચૂક્યાં છે.
એકનાથ શિંદેની શિવસેનાને મળી શકે વધુ તક
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને કેન્દ્ર સરકારમાં વધુ મંત્રીપદ મળવાની અટકળો પણ ચાલી રહી છે. છ શિવસેના (UBT) સાંસદોના શિંદે જૂથમાં જોડાયા બાદ શિંદે જૂથની લોકસભામાં સંખ્યા વધીને 13 થઈ છે. ત્યારબાદ કેન્દ્રમાં વધુ મંત્રીપદની માંગ અને કેબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા તેજ બની હતી. રિપોર્ટ્સ અનુસાર શિંદે જૂથને એક કેબિનેટ અને એકથી બે રાજ્યમંત્રી પદ મળી શકે તેવી શક્યતા અંગે ચર્ચા છે. શ્રીકાંત શિંદે સહિત કેટલાક નામો પણ સંભવિત દાવેદારો તરીકે સામે આવ્યા છે.
ચિરાગ પાસવાનની નજર મોટા મંત્રાલય પર?
NDAના સહયોગી પક્ષોમાં પણ કેબિનેટ ફેરબદલને લઈને અપેક્ષાઓ છે. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનને હાલના મંત્રાલય કરતાં વધુ મહત્વપૂર્ણ મંત્રાલય મળે તેવી ચર્ચા છે. સહયોગી પક્ષોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું અને આગામી રાજકીય પડકારોને ધ્યાનમાં રાખીને NDAનું સંતુલન જાળવવું પણ ફેરબદલમાં મહત્વનું પરિબળ બની શકે છે.
DMKની પણ કેન્દ્રમાં એન્ટ્રીની અટકળો
તમિલનાડુની દ્રવિડ મુનેત્ર કળગમ (DMK)ને કેન્દ્ર સરકારમાં સ્થાન આપવાની સંભાવના અંગે પણ રાજકીય ચર્ચા ચાલી રહી છે. જો DMKને કેન્દ્રમાં સ્થાન મળે છે તો દક્ષિણ ભારતના રાજકીય સમીકરણોમાં તેનો મોટો સંદેશ જઈ શકે છે. જોકે, DMKની કેબિનેટમાં એન્ટ્રી અંગે પણ હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત નથી અને તેને માત્ર રાજકીય અટકળ તરીકે જ જોવી જોઈએ.
ઉત્તર પ્રદેશથી બે મોટા નામ ચર્ચામાં
2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સરકારમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ અને સામાજિક સમીકરણ પણ મહત્વનું બની શકે છે. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકમાંથી કોઈ એકને કેન્દ્રમાં લાવવાની ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જો આવું થાય તો કેન્દ્ર સરકારમાં ઉત્તર પ્રદેશનું રાજકીય અને સામાજિક પ્રતિનિધિત્વ વધુ મજબૂત કરવાનો પ્રયાસ માનવામાં આવી શકે છે.
હિમાચલમાંથી અનુરાગ ઠાકુરનું નામ પણ ચર્ચામાં
હિમાચલ પ્રદેશમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નામ પણ સંભવિત ચહેરા તરીકે ચર્ચામાં છે. ભાજપના આગામી ચૂંટણીલક્ષી સમીકરણો અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને તેમના નામ અંગે નિર્ણય લેવાઈ શકે તેવી અટકળો છે.
આખરે શું થશે?
હાલની સ્થિતિમાં મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની ચર્ચા ચોક્કસપણે તેજ બની છે, પરંતુ કયા મંત્રીનું મંત્રાલય બદલાશે, કોને નવી જવાબદારી મળશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે કે નહીં તે અંગે અંતિમ નિર્ણયની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. આગામી દિવસોમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. સંભવિત ફેરબદલમાં મંત્રીઓની કામગીરી, ચૂંટણીલક્ષી રાજ્યનું ગણિત, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને NDAના સહયોગી પક્ષોની અપેક્ષાઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.




