મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે ₹62,500 કરોડની નવી સ્કીમને કેબિનેટની મંજૂરી, રોજગારી અને નિકાસમાં થશે મોટો વધારો


મોબાઇલ મેન્યુફેક્ચરિંગ માટે ₹62,500 કરોડની નવી સ્કીમને કેબિનેટની મંજૂરી, રોજગારી અને નિકાસમાં થશે મોટો વધારો


નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) માટે ₹62,500 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. સરકારનો હેતુ દેશમાં મોબાઇલ ફોનના સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં વધારો કરવાનો તેમજ ભારતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનાવવાનો છે.
નવી યોજના નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. આ યોજના હેઠળ સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાની, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવાની તેમજ ડિઝાઇન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D)માં રોકાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, ભારતમાં ઉત્પાદિત મોબાઇલ ફોનના વેચાણ પર ઉત્પાદકોને 2.25 ટકાથી 5 ટકા સુધી પ્રોત્સાહક (ઇન્સેન્ટિવ) આપવામાં આવશે. ઉપરાંત, દેશમાં જ તૈયાર થતા મુખ્ય પાર્ટ્સ અને સબ-અસેમ્બલીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે 1.5 ટકા સુધી વધારાનું ઇન્સેન્ટિવ પણ મળશે.
ભારતીય મોબાઇલ બ્રાન્ડ્સને મજબૂત બનાવવા માટે પ્રોડક્ટ ડિઝાઇન અને આરએન્ડડીમાં રોકાણ કરનાર ઉત્પાદકોને લાયક વેચાણ પર વધારાના 3 ટકા ઇન્સેન્ટિવની પણ જોગવાઈ કરવામાં આવી છે. સરકારના અંદાજ મુજબ આ યોજના દરમિયાન દેશમાં અંદાજે ₹39 લાખ કરોડના મોબાઇલ ફોનનું ઉત્પાદન થશે અને સ્માર્ટફોનની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થશે. આ યોજના દ્વારા આશરે 60 હજારથી વધુ સીધી રોજગારીની તકો પણ સર્જાવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. હાલમાં ભારત વિશ્વનો વોલ્યુમના આધારે બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ છે અને દેશમાં વપરાતા 99.2 ટકા મોબાઇલ ફોનનું ઉત્પાદન સ્થાનિક સ્તરે જ થાય છે. નવી MPMS યોજના અગાઉની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનું સ્થાન લેશે, જેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. સરકારને વિશ્વાસ છે કે નવી યોજના ભારતને વૈશ્વિક મોબાઇલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વધુ મજબૂત સ્થાન અપાવશે.




