ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક એક ફેરીમાં ભીષણ આગ લાગી, 5 લોકોના મોત, 41 લાપતા


ઇન્ડોનેશિયાના મદુરા ટાપુ નજીક એક ફેરીમાં ભીષણ આગ લાગી, 5 લોકોના મોત, 41 લાપતા


Indonesia Ferry Fire Madura Island: ઇન્ડોનેશિયાના મદુરા દ્વીપ નજીક રવિવારે મુસાફરો ભરેલી એક ફેરીમાં ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 5 લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. લાપતા મુસાફરોને શોધવા માટે મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી મુજબ ફેરીમાં મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત કુલ 271 લોકો સવાર હતા. જેમાંથી 225 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લાપતા લોકોની શોધ માટે અનેક રેસ્ક્યૂ જહાજો અને બચાવ ટીમો સતત કામગીરી કરી રહી છે.
માહિતી અનુસાર, ફેરી પૂર્વી જાવાના સુરાબાયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસર તરફ જઈ રહી હતી. તે દરમિયાન જાવાના ઉત્તર-પૂર્વીય કિનારે આવેલા મદુરા દ્વીપ નજીક અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે દરિયાઈ વિસ્તારમાં સતત શોધખોળ ચાલી રહી છે. કેટલાક મુસાફરો દરિયામાં કૂદી પડ્યા હોવાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે બચાવ કામગીરી વધુ પડકારજનક બની છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયામાં ગયા વર્ષે પણ આવી જ દુર્ઘટના બની હતી. જુલાઈ 2025માં ઉત્તર સુલાવેસી નજીક KM Barcelona 5 નામની ફેરીમાં આગ લાગતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે આશરે 150 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.




