POKમાં ચૂંટણી માત્ર દેખાડો, પાકિસ્તાનનું પાખંડ વિશ્વ સામે ખુલ્લું પાડવું જોઈએ: વિદેશ મંત્રાલય


POKમાં ચૂંટણી માત્ર દેખાડો, પાકિસ્તાનનું પાખંડ વિશ્વ સામે ખુલ્લું પાડવું જોઈએ: વિદેશ મંત્રાલય


POK Local Elections: ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં યોજાઈ રહેલી કથિત સ્થાનિક ચૂંટણીઓને માત્ર "દેખાડો" ગણાવી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે POKમાં લોકશાહી નહીં પરંતુ દમન, ગોળીબાર અને માનવાધિકારના ઉલ્લંઘનની સ્થિતિ છે. સાપ્તાહિક મીડિયા બ્રિફિંગ દરમિયાન જયસ્વાલે જણાવ્યું કે POKમાં યોજાતી આ કથિત ચૂંટણી માત્ર વૈધતાનો ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ છે. વાસ્તવિકતા એ છે કે ત્યાં લોકો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેમનું દમન કરવામાં આવી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે જૂન મહિનાથી અત્યાર સુધી POKમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અંદાજે 90 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન દ્વારા લોકોના અસંતોષનો જવાબ ગોળીબાર, સંચાર વ્યવસ્થા બંધ કરવી અને ધમકી જેવા પગલાંથી આપવામાં આવી રહ્યો છે. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે પાકિસ્તાનના માનવાધિકાર અંગેના દાવાઓના પાખંડને ઓળખી POKમાં થઈ રહેલા દમન સામે અવાજ ઉઠાવે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે માત્ર ચૂંટણી યોજવાથી ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ બદલાતી નથી.
સીમાપાર આતંકવાદના મુદ્દે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રણધીર જયસ્વાલે જણાવ્યું કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તેમણે પાકિસ્તાનને પોતાની ધરતી પરથી ચાલતા આતંકી માળખાને નષ્ટ કરવા અને સીમાપાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની પણ અપીલ કરી. ભારતનું માનવું છે કે POKમાં લોકશાહી કરતાં વધુ દમનકારી શાસન જોવા મળી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.




