હોર્મુઝ સંકટ પર મોદી સરકાર એલર્ટ: PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, પેટ્રોલિયમ અને ખાતર અંગે મહત્વના નિર્દેશ


હોર્મુઝ સંકટ પર મોદી સરકાર એલર્ટ: PM મોદીની ઉચ્ચસ્તરીય બેઠક, પેટ્રોલિયમ અને ખાતર અંગે મહત્વના નિર્દેશ


Hormuz Crisis India, Hormuz Crisis: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગને લઈને સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં દેશની ઊર્જા સુરક્ષા, ખાતરની ઉપલબ્ધતા, ભારતીય નાવિકોની સુરક્ષા તેમજ નિકાસ પર સંભવિત અસર જેવા મહત્વના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન સ્પષ્ટ જણાવ્યું કે દુનિયાના કોઈપણ દેશમાં કામ કરી રહેલા દરેક ભારતીય નાવિકની સુરક્ષા સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેઓ ભારતીય જહાજ પર હોય કે વિદેશી જહાજ પર, જરૂર પડ્યે સરકાર તરફથી તમામ શક્ય મદદ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પેટ્રોલિયમ મંત્રાલયને મહત્વના નિર્દેશ
હોર્મુઝ સંકટને કારણે કાચા તેલ અને ગેસના પુરવઠા પર અસર થવાની શક્યતા વચ્ચે વડાપ્રધાને પેટ્રોલિયમ મંત્રાલયની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દેશમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા સૂચના આપી, જેથી ઊર્જા પુરવઠો મજબૂત રહે અને કોઈપણ સંકટની અસર સામાન્ય લોકો સુધી ન પહોંચે.
ખેડૂતો માટે ખાતરની પૂરતી વ્યવસ્થા
બેઠકમાં કૃષિ ક્ષેત્રની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાને જણાવ્યું કે આગામી રબી પાક માટે પૂરતો ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ વર્ષ 2027ની ખરીફ સિઝન માટે પણ ખાતરનો પૂરતો સંગ્રહ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી ખેડૂતોને કોઈપણ પ્રકારની અછતનો સામનો ન કરવો પડે.
નિકાસ અને અર્થવ્યવસ્થા પર પણ નજર
હોર્મુઝ સંકટની અસર ભારતના નિકાસ વેપાર અને અર્થવ્યવસ્થા પર પણ પડી શકે છે. આને ધ્યાનમાં રાખીને બેઠકમાં નિકાસકારોને રાહત આપવા માટેના સંભવિત પગલાં તેમજ અર્થતંત્ર પર પડનારી અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકારે સ્પષ્ટ કર્યું કે વૈશ્વિક પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યારે સમયસર યોગ્ય નિર્ણય લેવામાં આવશે.




