દિલ્હીમાં ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટે 80 ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ શરૂ: ગૃહમંત્રી અમિત શાહ


દિલ્હીમાં ઔદ્યોગિક કચરાના શુદ્ધિકરણ માટે 80 ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ શરૂ: ગૃહમંત્રી અમિત શાહ


નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં દિલ્હી મહાનગર પાલિકા (MCD) અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) વચ્ચે ગોબરના વૈજ્ઞાનિક ઉપયોગ માટે કમ્પ્રેસ્ડ બાયો-ગેસ (CBG) પ્લાન્ટ સ્થાપવા અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સરકારનું માનવું છે કે આ પહેલ દેશના મોટા શહેરો માટે સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનનું નવું મોડેલ સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે જણાવ્યું કે આ પહેલથી પશુપાલકોની આવકમાં વધારો થશે, શહેરોની સ્વચ્છતા સુધરશે, બાયો-ગેસનું ઉત્પાદન વધશે અને ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે. તેમણે યમુના નદીના શુદ્ધિકરણને સરકારની પ્રાથમિકતા ગણાવતા કહ્યું કે નદીમાં ગંદા પાણી અને ઔદ્યોગિક કચરાનો નિકાલ રોક્યા વિના યમુનાને સ્વચ્છ બનાવવી શક્ય નથી. આ દિશામાં દિલ્હીમાં આશરે 80 ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામગીરી શરૂ થઈ ગઈ છે.
અમિત શાહે જણાવ્યું કે સરકાર એવી વ્યવસ્થા ઉભી કરી રહી છે કે ભવિષ્યમાં ગોબરનો એક પણ અંશ યમુના નદીમાં ન જાય. સવા લાખથી વધુ પશુઓના કચરાના વૈજ્ઞાનિક નિકાલ માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડિસેમ્બર 2028 સુધીમાં યમુના નદીમાં એક પણ લિટર ગંદુ પાણી ન જાય તેવું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે. આ માટે નાંગલી, ઘોઘા-ગોયલા અને ગાઝીપુર ખાતેના કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે આ યોજના માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ભવિષ્યમાં દેશના અન્ય મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુ કચરાના સંચાલન અને બાયો-ગેસ ઉત્પાદન માટે માર્ગદર્શક મોડેલ બનશે. આ યોજના હેઠળ પશુપાલકોને ગોબર માટે પ્રતિ કિલો મુજબ ચૂકવણી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.




