Independence Day: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં ધારા 163 લાગુ, પતંગ ઉડાવવા પર પ્રતિબંધ


AI Generated Images
Independence Day: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીમાં ધારા 163 લાગુ, પતંગ ઉડાવવા પર પ્રતિબંધ


AI Generated Images
Delhi Section 163 Independence Day: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. લાલ કિલ્લા ખાતે યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ અને VIP-VVIP મૂવમેન્ટને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ધારા 163 લાગુ કરવામાં આવી છે. આ સાથે પતંગ ઉડાવવા સહિત કોઈપણ પ્રકારની હવાઈ વસ્તુ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશ 16 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે અને તેનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાલ કિલ્લા આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક
સ્વતંત્રતા દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના, અશાંતિ કે સુરક્ષા ભંગ ન થાય તે માટે દિલ્હી પોલીસ દ્વારા હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમમાંથી ડ્રોન દ્વારા તેમજ મેદાનમાં તૈનાત પોલીસ જવાનો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. લાલ કિલ્લા આસપાસ પતંગ ઉડાવવા ઉપરાંત ડ્રોન કે અન્ય કોઈ હવાઈ વસ્તુ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે.
દિલ્હી મેટ્રોએ પણ પતંગબાજી અંગે કરી અપીલ
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા પણ લોકોને એલિવેટેડ મેટ્રો લાઇનની આસપાસ પતંગ ન ઉડાવવા અપીલ કરવામાં આવી છે. મેટ્રોની OHE લાઇનમાં 25,000 વોલ્ટનો કરંટ રહે છે. પતંગની દોરી તેના સંપર્કમાં આવે તો જીવલેણ અકસ્માત થઈ શકે છે. સાથે જ દોરી OHE અથવા ટ્રેનના પેન્ટોગ્રાફમાં ફસાઈ જવાથી મેટ્રો સેવા પણ ખોરવાઈ શકે છે. સંવેદનશીલ મેટ્રો સ્ટેશનો નજીક પતંગની દોરી દૂર કરવા માટે વિશેષ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
આદેશનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી
DCP રોહિત રાજબીર સિંહ દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ ધારા 163 અને પતંગ ઉડાવવા પરનો પ્રતિબંધ 16 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી પોલીસ દ્વારા રાજધાનીના રહેવાસીઓ, પ્રવાસીઓ, અન્ય રાજ્યોમાંથી આવતા લોકો અને કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ લોકોને આદેશનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.




