સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં ખળભળાટ: હાઈકોર્ટ-એરપોર્ટ સહિત 6 સ્થળે બોમ્બની ધમકી

Delhi Bomb Threats: દેશના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં સુરક્ષાને લઈને મોટો ખળભળાટ સર્જાયો છે. રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ સહિત કુલ 6 સ્થળોએ બોમ્બની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકીભર્યા ઈ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને તમામ સ્થળોએ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કયા 6 સ્થળોને મળી ધમકી? મળતી માહિતી મુજબ દિલ્હીમાં નીચેના સ્થળોને બોમ્બની...
Rupin Bakraniya
Rupin Bakraniya
સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં ખળભળાટ: હાઈકોર્ટ-એરપોર્ટ સહિત 6 સ્થળે બોમ્બની ધમકીસ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં ખળભળાટ: હાઈકોર્ટ-એરપોર્ટ સહિત 6 સ્થળે બોમ્બની ધમકી

Delhi Bomb Threats: દેશના 80મા સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હીમાં સુરક્ષાને લઈને મોટો ખળભળાટ સર્જાયો છે. રાજધાનીમાં દિલ્હી હાઈકોર્ટ સહિત કુલ 6 સ્થળોએ બોમ્બની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકીભર્યા ઈ-મેલ બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ છે અને તમામ સ્થળોએ સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

કયા 6 સ્થળોને મળી ધમકી?
મળતી માહિતી મુજબ દિલ્હીમાં નીચેના સ્થળોને બોમ્બની ધમકી આપવામાં આવી છે

  • દિલ્હી હાઈકોર્ટ
  • જામનગર હાઉસ
  • ઝંડેવાલાનની ફ્લેટેડ બિલ્ડિંગ
  • એમબી સાકેત સ્થિત ડીએમ ઓફિસ
  • IGI એરપોર્ટનું ટર્મિનલ-3
  • દિલ્હી કેન્ટનું SDM ઓફિસ

ધમકીની માહિતી મળ્યા બાદ સંબંધિત સ્થળોએ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, પોલીસ ટીમો અને ફાયર બ્રિગેડની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે.

દિલ્હી હાઈકોર્ટમાં સઘન તપાસ
દિલ્હી હાઈકોર્ટને ઈ-મેલ મારફતે ધમકી મળ્યા બાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દિલ્હી પોલીસના સંપર્કમાં છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા પરિસરના વિવિધ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે અને કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી
છ સ્થળોએ ધમકી મળ્યા બાદ સુરક્ષા ટીમોએ તપાસ શરૂ કરી છે. જોકે, હાલ સુધીની તપાસમાં કોઈપણ સ્થળેથી શંકાસ્પદ વસ્તુ મળી હોવાની માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ ધમકીની વિશ્વસનીયતા અંગે પણ તપાસ કરી રહી છે.

15 ઓગસ્ટ પહેલાં દિલ્હીમાં સુરક્ષા વધારાઈ
આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. લાલ કિલ્લા સહિત મહત્વના સ્થળોએ સુરક્ષા દળોની તૈનાતી વધારવામાં આવી છે. જાહેર સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને મહત્વના માર્ગો પર પણ પોલીસ દ્વારા વધારાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરવાના છે, જેના પગલે રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ ખાસ એલર્ટ પર છે.

ધમકી પાછળ કોણ? તપાસ શરૂ
એકસાથે અનેક મહત્વના સ્થળોને ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. ધમકીભર્યા ઈ-મેલનો સ્ત્રોત શોધવા સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં કોઈ સ્થળેથી બોમ્બ કે વિસ્ફોટક સામગ્રી મળી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભાવનાને અવગણ્યા વિના તપાસ આગળ વધારી રહી છે.