દિલ્હીના IGI એરપોર્ટ પર 6.37 કિલો હાઇડ્રોપોનિક વીડ ઝડપાયું, 3 મુસાફરોની ધરપકડ


દિલ્હીના IGI એરપોર્ટ પર 6.37 કિલો હાઇડ્રોપોનિક વીડ ઝડપાયું, 3 મુસાફરોની ધરપકડ


Delhi Airport Hydroponic Weed Seizure: દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ તસ્કરીના અલગ-અલગ ત્રણ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. અધિકારીઓએ ત્રણ મુસાફરો પાસેથી કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. આ ત્રણેય મુસાફરોને NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી 3.47 કિલો જપ્ત
કસ્ટમ્સના જણાવ્યા અનુસાર, બેંગકોકથી આવેલા એક ભારતીય મુસાફરને APIS પ્રોફાઇલિંગના આધારે ગ્રીન ચેનલ પાર કર્યા બાદ રોકવામાં આવ્યો હતો. મુસાફરના સામાનની તપાસમાં શરૂઆતમાં કંઈ શંકાસ્પદ મળ્યું નહોતું. ત્યારબાદ કસ્ટમ્સ અધિકારીઓએ વિમાનની તપાસ કરતાં બંને ટોયલેટમાંથી શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડના ચાર સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. તેનું કુલ વજન 3.47 કિલોગ્રામ હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન મુસાફરે પેકેટ્સ વિમાનના ટોયલેટમાં છુપાવ્યાની કબૂલાત કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
ફૂકેટથી આવેલા મુસાફરની સીટ નીચેથી 1.5 કિલો જપ્ત
બીજા કેસમાં ફૂકેટથી આવેલા એક મુસાફરને પણ APIS પ્રોફાઇલિંગના આધારે અટકાવવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ દરમિયાન કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી નહોતી. આ બાદ વિમાનની તપાસ કરતાં 12મી લાઇનની સીટોની નીચે છ સીલબંધ પેકેટ મળી આવ્યા હતા. તેમાં શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ હોવાનું જણાયું હતું અને તેનું વજન આશરે 1.5 કિલોગ્રામ હતું. પૂછપરછમાં મુસાફરે પેકેટ્સ વિમાનમાં છુપાવ્યાની વાત સ્વીકારી હોવાનું કસ્ટમ્સે જણાવ્યું હતું.
બેગમાંથી 1.4 કિલો શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ મળ્યું
ત્રીજા કેસમાં બેંગકોકથી આવેલા અન્ય એક ભારતીય મુસાફરને ગ્રીન ચેનલ પાર કર્યા બાદ રોકવામાં આવ્યો હતો. એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન તેના સામાનમાં શંકાસ્પદ વસ્તુઓ જોવા મળતાં કસ્ટમ્સ અધિકારીઓએ બેગની તપાસ કરી હતી. તપાસ દરમિયાન આશરે 1.4 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ ધરાવતા બે વેક્યૂમ-સીલ પેકેટ મળી આવ્યા હતા.
NDPS એક્ટ હેઠળ ત્રણેયની ધરપકડ
કસ્ટમ્સ વિભાગે ત્રણેય કેસમાં કુલ 6.37 કિલોગ્રામ શંકાસ્પદ હાઇડ્રોપોનિક વીડ જપ્ત કરી છે. ત્રણેય મુસાફરો સામે NDPS એક્ટની કલમ 43(B) હેઠળ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે જપ્ત કરાયેલા શંકાસ્પદ પદાર્થને કલમ 43(A) હેઠળ કબજે લેવામાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




