ચંબામાં ગમખ્વાર બસ અકસ્માતમાં 7 લોકોના મોત, 11 ઘાયલ; PM મોદીએ વ્યક્ત કર્યો શોક


ચંબામાં ગમખ્વાર બસ અકસ્માતમાં 7 લોકોના મોત, 11 ઘાયલ; PM મોદીએ વ્યક્ત કર્યો શોક


Chamba Bus Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો હતો. ચંબા-બૈરાગઢ માર્ગ પર થયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખાબકી
મળતી માહિતી મુજબ, ખાનગી બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી ચંબા તરફ જઈ રહી હતી. દરમિયાન તીસા-બૈરાગઢ મુખ્ય માર્ગ પર દેવીકોટી નજીક ચાલુજ વળાંક પાસે બસ અચાનક અનિયંત્રિત થઈ રસ્તા પરથી નીચે ખાબકી હતી. અકસ્મત સમયે બસમાં કુલ 18 લોકો સવાર હતા. બસ રસ્તા પરથી નીચે ખાબકતાં કેટલાક મુસાફરો બસની નીચે દબાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી સર્જાઈ હતી.

7 લોકોના મોત, 11 ઘાયલ
ચંબા જિલ્લા આપદા વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા અકસ્માતમાં 7 લોકોના મોત અને 11 લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્મતનું ચોક્કસ કારણ શું હતું અને મૃતકો તથા ઘાયલોની ઓળખ અંગેની સત્તાવાર વિગતો હજુ સામે આવી નથી.
PM મોદીએ વ્યક્ત કર્યો શોક
ચંબામાં થયેલા આ દુઃખદ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
CM સુક્ખુએ તાત્કાલિક સારવારના આપ્યા નિર્દેશ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખુએ પણ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસનને તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવી યોગ્ય સારવારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.




