80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લેથી PM મોદી કરશે મુખ્ય સમારોહનું નેતૃત્વ, પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’

80th Independence Day 2026: ભારત 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી મુખ્ય સ્વતંત્રતા દિવસ સમારોહનું નેતૃત્વ કરશે. આ વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150 વર્ષની વિરાસતને યાદ કરવામાં આવશે અને 2047 સુધી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકાને ઉજાગર કરવામાં આવશે. આ વર્ષની ઉજવણીની સૌથી મોટી વિશેષતા...
Rupin Bakraniya
Rupin Bakraniya
80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લેથી PM મોદી કરશે મુખ્ય સમારોહનું નેતૃત્વ, પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’80મો સ્વતંત્રતા દિવસ: લાલ કિલ્લેથી PM મોદી કરશે મુખ્ય સમારોહનું નેતૃત્વ, પહેલીવાર ગુંજશે ‘વંદે માતરમ’

80th Independence Day 2026: ભારત 15 ઓગસ્ટ, 2026ના રોજ પોતાનો 80મો સ્વતંત્રતા દિવસ ભવ્ય રીતે ઉજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી મુખ્ય સ્વતંત્રતા દિવસ સમારોહનું નેતૃત્વ કરશે. આ વર્ષની ઉજવણીમાં રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ની 150 વર્ષની વિરાસતને યાદ કરવામાં આવશે અને 2047 સુધી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકાને ઉજાગર કરવામાં આવશે. આ વર્ષની ઉજવણીની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે લાલ કિલ્લા પર યોજાનારા સ્વતંત્રતા દિવસ સમારોહમાં પહેલીવાર ‘વંદે માતરમ’ની રજૂઆત કરવામાં આવશે.

લાલ કિલ્લા પહોંચતા PM મોદીનું ભવ્ય સ્વાગત
લાલ કિલ્લા પર પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીનું રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી સંજય સેઠ અને રક્ષા સચિવ રાજેશ કુમાર સિંહ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હી એરિયાના ગો-ઇન-સી લેફ્ટનન્ટ જનરલ રાજેશ સેઠી વડાપ્રધાનને સલામી સ્થળ સુધી લઈ જશે. અહીં ઇન્ટર-સર્વિસિસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ગાર્ડ દ્વારા વડાપ્રધાનને જનરલ સલામી આપવામાં આવશે. ત્યારબાદ PM મોદી ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરશે.

ચારેય દળો અને દિલ્હી પોલીસના જવાનો આપશે ગાર્ડ ઓફ ઓનર
વડાપ્રધાન માટેના ગાર્ડ ઓફ ઓનરમાં ભારતીય સેના, નૌસેના, વાયુસેના અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી તથા 24-24 જવાનોનો સમાવેશ થશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ભારતીય સેના કો-ઓર્ડિનેટિંગ સર્વિસ તરીકેની ભૂમિકા નિભાવશે. ગાર્ડ ઓફ ઓનરની કમાન લેફ્ટનન્ટ કર્નલ અર્જુન સિંહ સંભાળશે.

રાષ્ટ્રધ્વજ ફરકાવાશે અને 21 તોપોની સલામી અપાશે
ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર તરફ જશે. અહીં રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ત્રણેય સેનાના વડાઓ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. કેપ્ટન સોનિયા સિંહ ચૌહાણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનને સહાય કરશે. આ સાથે 1721 ફિલ્ડ બેટરીના ગનર્સ દ્વારા 21 તોપોની સલામી આપવામાં આવશે. આ પ્રસંગે સ્વદેશી 105 મિમી લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવશે.

પહેલીવાર લાલ કિલ્લા પર ગુંજશે ‘વંદે માતરમ’
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ તેને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. એક JCO અને 25 અન્ય રેન્કના જવાનો ધરાવતું આર્મી બેન્ડ ‘વંદે માતરમ’ની ધૂન વગાડશે. લાલ કિલ્લા પર ઉપસ્થિત તમામ લોકો રાષ્ટ્રીય ગીતનું ગાન કરશે અને ત્યારબાદ રાષ્ટ્રગાન રજૂ કરવામાં આવશે. બેન્ડનું સંચાલન સુબેદાર ઈશ્વર સિંહ કરશે.

હેલિકોપ્ટરથી તિરંગા અને ‘વંદે માતરમ’ના ધ્વજ સાથે પુષ્પવર્ષા
વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર કાર્યક્રમ સ્થળ પર પુષ્પવર્ષા કરશે. એક હેલિકોપ્ટરમાં રાષ્ટ્રીય ધ્વજ જ્યારે બીજા હેલિકોપ્ટરમાં ‘વંદે માતરમ’ દર્શાવતો ધ્વજ હશે. આ દૃશ્ય સ્વતંત્રતા દિવસની ઉજવણીનું ખાસ આકર્ષણ બનશે.

PM મોદી દેશને સંબોધશે
પુષ્પવર્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધન કરશે. તેમના સંબોધનના અંતે NCC કેડેટ્સ અને ‘માય ભારત’ના સ્વયંસેવકો દ્વારા ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રગાન થશે. સમારોહમાં કુલ 2,500 NCC કેડેટ્સ અને ‘માય ભારત’ના સ્વયંસેવકો ભાગ લેશે. તેઓ પ્રાચીરની સામે જ્ઞાનપથ પર બેસીને ‘વંદે માતરમ’ની આકૃતિ બનાવશે.

5,000થી વધુ વિશેષ મહેમાનો બનશે સાક્ષી
આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણી નિહાળવા માટે વિવિધ ક્ષેત્રોમાંથી આશરે 5,000 વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મહેમાનોમાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓ, મહિલા ઉદ્યોગસાહસિકો, સ્ટ્રીટ વેન્ડર્સ, સ્વચ્છતા કર્મચારીઓ, યુવા ઇનોવેટર્સ, ખેડૂતો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ સાથે જોડાયેલા લોકો અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પરંપરાગત પોશાકમાં સજ્જ 1,500થી વધુ લોકો પણ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થા
સમારોહ દરમિયાન મુલાકાતીઓની સુવિધા માટે છ સ્થળોએ કુલ 25 ક્લોક રૂમ બનાવવામાં આવ્યા છે. ઉપરાંત 200 સ્વયંસેવકો મદદ માટે ઉપલબ્ધ રહેશે, જેમાં 100 NCC અને 100 ‘માય ભારત’ના સ્વયંસેવકો હશે. મેટ્રો સ્ટેશનો અને પાર્કિંગ વિસ્તારોમાં વ્હીલચેરની જરૂરિયાત ધરાવતા મુલાકાતીઓને મદદ કરવા NCC કેડેટ્સ પણ તૈનાત રહેશે.

15 ઓગસ્ટે સવારે 4 વાગ્યાથી મેટ્રો સેવા
લાલ કિલ્લા ખાતે પહોંચવા માટે 15 ઓગસ્ટે સવારે 4 વાગ્યાથી મેટ્રો સેવા શરૂ થશે. આમંત્રિત મહેમાનો માટે મેટ્રો સેવા મફત રહેશે અને ઈ-ઇન્વિટેશન સાથે મેટ્રો QR કોડ પણ આપવામાં આવી રહ્યા છે. આ રીતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશભક્તિ, સૈન્ય શક્તિ, યુવા શક્તિ અને ‘વંદે માતરમ’ની ઐતિહાસિક વિરાસતનું અનોખું સંયોજન જોવા મળશે.