ગાંધીનગરમાં IITEની નવી ઇમારતનું ખાતમુહૂર્ત: ₹127 કરોડના ખર્ચે બનશે આધુનિક કેમ્પસ, 600થી વધુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ



ગાંધીનગરમાં IITEની નવી ઇમારતનું ખાતમુહૂર્ત: ₹127 કરોડના ખર્ચે બનશે આધુનિક કેમ્પસ, 600થી વધુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ



ગાંધીનગર: ગાંધીનગરમાં આવેલી **ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન (IITE)**ની નવી ઇમારતનું મંગળવારે (30 જૂન) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો. રાજ્ય સરકાર દ્વારા આશરે ₹127 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ ઇમારત શિક્ષણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે.
શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમ્નભાઈ વાઝા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ત્રિકંભાઈ છંગા, ગાંધીનગર (ઉત્તર)ના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, શહેરના મેયર મીરાબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
નવી ઇમારતમાં આધુનિક એકેડમિક બ્લોક, ફેકલ્ટી બિલ્ડિંગ, અદ્યતન સાયન્સ લેબોરેટરી, સેમિનાર હોલ, સ્ટેટ ઑફ ધ આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ, રમતગમત માટેનું મેદાન તેમજ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલ બનાવવામાં આવશે. હોસ્ટેલમાં 600થી વધુ વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે IITE પરિવારે જણાવ્યું હતું કે સંસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિક્ષણ ક્ષેત્રેના વિઝન અને શિક્ષણવિદ્ કિરીટ જોશીના સપનાઓને સાકાર કરવા પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શિલાન્યાસની ઇંટ મૂકી નવી ઇમારતના નિર્માણ કાર્યનો પ્રારંભ કરાવ્યો.
નવી ઇમારતના નિર્માણ બાદ IITEમાં શિક્ષણ અને સંશોધન માટે વધુ આધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનશે, જેનો સીધો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળશે.




