વાવ-થરાદમાં મહાપંચાયતમાં હોબાળો : બે વર્ષ જૂના પ્રેમ લગ્ન મુદ્દે ફરી ઉગ્ર વિવાદ



વાવ-થરાદમાં મહાપંચાયતમાં હોબાળો : બે વર્ષ જૂના પ્રેમ લગ્ન મુદ્દે ફરી ઉગ્ર વિવાદ



બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં આવેલા રૂની ગામમાં ચૌધરી સમાજની મહાપંચાયત દરમિયાન સર્જાયેલ તંગદિલી હવે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. બે વર્ષ પહેલાં રૂની ગામની ચૌધરી સમાજની યુવતીએ ઉણ ગામના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જે મુદ્દે લાંબા સમયથી સમાજમાં અસંતોષ જોવા મળ્યો હતો આ મુદ્દાને લઈને યોજાયેલ મહાપંચાયત દરમિયાન પરિસ્થિતિ અચાનક બગડી ગઈ અને વાતાવરણ તંગ બન્યું.
મહાપંચાયત દરમિયાન આગેવાનો અને યુવાનો આમને-સામને આવી જતા હોબાળો મચ્યો હતો. યુવતીએ પોતાના પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હોવા છતાં સમાજના કેટલાક આગેવાનો તેને પરત લાવવાની માંગ પર અડગ રહ્યા હતા. આ મુદ્દે ચર્ચામાં આવતા યુવાઓમાં અસંતોષ ફાટી નીકળ્યો અને મંચ પર ચાલી રહેલું ગંગારામ ચૌધરીનું ભાષણ પણ અટકાવી દેવામાં આવ્યું. પરિસ્થિતિ બેકાબૂ બનતાં કેટલાક આગેવાનો સભા છોડી જતાં રહ્યા.
મહાપંચાયત પૂરી થયા બાદ સ્થિતિ વધુ ગંભીર બની ગઈ, જ્યારે યુવાઓનો એક જૂથ દીકરીને પરત લાવવા માટે ઉણ ગામ તરફ કૂચ કર્યો. માહિતી અનુસાર, આ ટોળાએ ઉણ ગામમાં પહોંચીને યુવકના ઘરે જવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈૂ હતી.
ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ દરમિયાન કેટલાક વાહનોમાં તોડફોડ થયાની પણ માહિતી સામે આવી છે. પોલીસના સક્રિય પ્રયાસો બાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં વિસ્તારમાં હજુ પણ તંગદિલીનો માહોલ યથાવત છે.
ઉણ ગામમાં હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને અફવાઓથી દૂર રહેવા સૂચના આપી છે.
આ ઘટનાએ સમાજમાં આંતરિક મતભેદોને પણ ઉજાગર કર્યા છે, ખાસ કરીને યુવાનો અને પરંપરાગત આગેવાનો વચ્ચેના વિચારોના ટકરાવને લઈને ચર્ચા તેજ બની છે. એક તરફ યુવાનો વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીના અધિકારની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ આગેવાનો પરંપરા અને સમાજની મર્યાદાઓ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકી રહ્યા છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હાલ માટે વિસ્તાર શાંત છે, પરંતુ તંગદિલી હજી પૂર્ણપણે ઓછી થઈ નથી. આ સમગ્ર ઘટનાએ સમાજમાં સંવાદ અને સમજણની જરૂરિયાતને વધુ સ્પષ્ટ બનાવી છે.




