દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય જયેષ્ઠાભિષેક મહોત્સવ યોજાયો



દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય જયેષ્ઠાભિષેક મહોત્સવ યોજાયો



દ્વારકા દ્વારકામાં આવેલ પવિત્ર દ્વારકાધીશ જગતમંદિર ખાતે રવિવાર તા. 28 જૂન, 2026ના રોજ પરંપરા અને શ્રદ્ધાભાવ સાથે ભવ્ય જયેષ્ઠાભિષેક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રના શુભ અવસરે દર વર્ષે ઉજવાતો આ વિશિષ્ટ ધાર્મિક ઉત્સવ આ વર્ષે પણ ભક્તિભાવથી સંપન્ન થયો.
સવારે મંગલા આરતી બાદ ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક વિધિપૂર્વક સવારે 8:00 કલાકે યોજાયો હતો. આ પ્રસંગે શ્રીજીને ઋતુ અનુસાર પવિત્ર આમ્રરસ (આંબાનો રસ) તથા દ્વારકાના અતિ પવિત્ર અઘોરકુંડના જળથી ખુલ્લા પડદે જલાભિષેક કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ મેળવ્યો હતો.
ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે મંદિરના પૂજારી પરિવાર દ્વારા અઘોરકુંડમાંથી પવિત્ર જળ લાવવાની પરંપરા નિભાવવામાં આવી હતી. ચાંદીના બેડાં અને તાંબાના પાત્રોમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે આ જળની પૂજા કરી વાજતે-ગાજતે જગતમંદિર સુધી પવિત્ર જળયાત્રા યોજાઈ હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું.
પરંપરા મુજબ આ પવિત્ર જળને ઔષધિયુક્ત બનાવી રાત્રિ અધિવાસન બાદ શ્રીજીના અભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. સાંજે મંદિરના જળકુંડમાં પવિત્ર જળ ભરાઈ બાદ ગોપાલજીને નૌકામાં બિરાજમાન કરી જલવિહાર (નૌકાવિહાર) ઉત્સવ પણ યોજાશે.
મંદિર પ્રશાસન દ્વારા દર્શન સમયસૂચિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જયેષ્ઠાભિષેક દર્શન સવારે 8:00 થી 9:00 વાગ્યા સુધી, ત્યારબાદ શૃંગાર આરતી તથા અન્ય નિત્યક્રમ યથાવત રહ્યા હતા. સાંજે 5:00 વાગ્યે ઉત્સવ દર્શન તથા રાત્રે 9:30 વાગ્યા સુધી જલયાત્રા દર્શન ભક્તો માટે ખુલ્લા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષમાં માત્ર બે જ પ્રસંગે ઠાકોરજીને ખુલ્લા પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે—જન્માષ્ટમી અને જયેષ્ઠાભિષેક. આ ઉત્સવનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અત્યંત વિશેષ ગણાય છે. દેશ-વિદેશના અનેક શ્રદ્ધાળુઓએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.




