રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત



રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે મુલાકાત



રાજકોટ રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સામાજિક આગેવાન નરેશ પટેલ વચ્ચે મુલાકાત યોજાતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. નરેશ પટેલના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજકોટ ભાજપના કેટલાક આગેવાનો પણ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. બેઠક બંધ બારણે યોજાતા વિવિધ અટકળો પણ શરૂ થઈ હતી.
જોકે, સમગ્ર મામલે ધારાસભ્ય રમેશ ટીલાળાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી અને તેને રાજકીય રંગ આપવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના અનુસંધાને આ મુલાકાત યોજાઈ હતી.
રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું કે નરેશ પટેલે હાલ રાજકારણમાં પ્રવેશવાનો કોઈ નિર્ણય લીધો નથી અને તેઓ અગાઉ પણ રાજકારણમાં આવવાની ના પાડી ચૂક્યા છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સમાજ માટે કાર્ય કરતા સારા લોકો રાજકારણમાં આવે તો તે લોકહિત માટે ફાયદાકારક બની શકે છે.
ધારાસભ્યએ કહ્યું કે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો વચ્ચે મુલાકાતો થવી સામાન્ય બાબત છે અને તેને લઈને કોઈ વિશેષ અર્થ કાઢવાની જરૂર નથી.
આ મુલાકાત બાદ ફરી એકવાર નરેશ પટેલના સંભવિત રાજકીય પ્રવેશને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે, જોકે સત્તાવાર રીતે બંને પક્ષો દ્વારા આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવવામાં આવી રહી છે.




