હકાભા ગઢવીના નિલેશ એરવાડીયા પર ગંભીર આક્ષેપ, ઓડિયોની FSL તપાસ કરાવવાની માગ



હકાભા ગઢવીના નિલેશ એરવાડીયા પર ગંભીર આક્ષેપ, ઓડિયોની FSL તપાસ કરાવવાની માગ



Rajkot News: જેતપુર ખેડૂત આંદોલન હવે નવા વિવાદમાં સપડાયું છે. લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડીયા પર ગંભીર આક્ષેપો કરતાં સમગ્ર મામલો ગરમાયો છે. હકાભાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે, આંદોલન દરમિયાન સરકાર સમક્ષ મોટી રકમની માગણી કરવા અને એડવાન્સ રકમ લેવાની વાત કરવામાં આવી હતી. જો કે, નિલેશ એરવાડીયાએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.
હકાભા ગઢવીએ આરોપ લગાવ્યો કે, નિલેશ એરવાડીયાએ સરકાર સમક્ષ રૂ. 25 કરોડની માગણી કરવાની વાત કરી હતી અને સમાધાન માટે રૂ. 2 કરોડ એડવાન્સ માગ્યા હતા. બીજી તરફ નિલેશ એરવાડીયાએ આ દાવાઓને ફગાવતા કહ્યું કે, વાયરલ ઓડિયો ખોટો છે અને તેમાં તેમનો અવાજ નથી.
આક્ષેપોના જવાબમાં હકાભા ગઢવીએ ઓડિયો ક્લિપની ફોરેન્સિક તપાસ કરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે, જો ઓડિયોની સત્યતા અંગે શંકા હોય તો તેને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલવામાં આવે, જ્યાં સત્ય બહાર આવી જશે. હકાભાનો દાવો છે કે આ રેકોર્ડિંગ તેમણે પોતે કર્યું છે અને તેની સત્યતા તપાસમાં સાબિત થઈ જશે.
હકાભાએ પોતાના પર લાગેલા 'નેતૃત્વ મેળવવાની લાલસા'ના આક્ષેપોને પણ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે તેમને રાજકારણમાં જવાનો કે, આંદોલનનું નેતૃત્વ મેળવવાનો કોઈ ઇરાદો નથી. તેઓ માત્ર ખેડૂતોના હિત માટે આંદોલન સાથે જોડાયા છે અને ખેડૂતોને ન્યાય મળે તે જ તેમનો હેતુ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આંદોલનને નુકસાન ન થાય તે માટે તેઓ અત્યાર સુધી મૌન રહ્યા હતા. સરકાર ખેડૂતોને ન્યાય આપે તે પછી જ આ મુદ્દો જાહેર કરવાનો તેમનો નિર્ણય હતો. હકાભાએ એવો પણ દાવો કર્યો કે ખેડૂતોને શરૂઆતમાં સમગ્ર હકીકતની જાણ નહોતી અને હવે સમગ્ર મામલો સામે આવી રહ્યો છે.
હકાભા ગઢવીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂત આંદોલનના આગેવાન બનવા માંગતા નથી, પરંતુ ખેડૂતોના હિતમાં હંમેશા તેમની સાથે રહેશે. જો ભવિષ્યમાં કોઈ નવો આગેવાન આગળ આવશે તો તેને પણ સંપૂર્ણ સમર્થન આપશે.
હાલ બંને પક્ષો એકબીજા પર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ઓડિયો ક્લિપની સત્યતા અંગે વિવાદ વચ્ચે હવે આ મામલે આગળ શું વળાંક આવે છે તેના પર સૌની નજર છે.




