અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા



અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા



Gujarat Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસવાની જાહેરાત તો થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.
તેમના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે, જ્યારે પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 2 જુલાઈએ બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાવાની શક્યતા છે. તેના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે.
તેમણે આગાહી કરી છે કે, 3થી 12 જુલાઈ દરમિયાન મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં કુલ 6 ઇંચ સુધી વરસાદ નોંધાવાની સાથે જળભરાવની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારિજ પંથકમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3થી 12 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ તેમજ ક્યાંક 3થી 4 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે કચ્છમાં પણ 3થી 4 ઇંચ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 3થી 12 જુલાઈ દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત માટે તેમણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી છે.




