ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી



Gujarat Unseasonal Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એકબાજુ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે, ત્યાં વધુ એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં આગામી 28મી માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી હિમ તોફાનો, સખત પવન, કરા પડવા, ગર્જના જેવી ગતિવિધિ જોવા મળી શકે છે. 12 એપ્રિલ સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.
આ ઉપરાંત તેઓ જણાવે છે કે, 16 એપ્રિલ સુધીમાં પુનઃ પ્રિએક્ટિવિટીનો વરસાદ જોવા મળશે. ત્યારબાદ 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. 17 મેથી જૂનની શરૂઆત સુધીમાં ચક્રવાતો જોવા મળશે.
11થી 20 મેમાં આંધી-વંટોળ સાથે છાંટા કે વરસાદ થવાની શક્યતાઓ છે. 24 મેથી ચાર જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. 20 મેથી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે.
હાલ ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત, પંચમહાલ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર સુધીના ભાગો, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટડી, દસાડા વગેરે ભાગોમાં કમોસમી વરસાદ થશે.




