ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના



ગુજરાતમાં ભારે વરસાદનું સંકટ: અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના



ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની આગાહી વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર અશોક કુમાર દાસના જણાવ્યા મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ પણ યથાવત રહેવાની શક્યતા છે.
31 જુલાઈના રોજ અમદાવાદમાં આશરે 8 ઇંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બોટાદ, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે.
સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, મોરબી, વાવ, થરાદ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે.
1 ઓગસ્ટે અમદાવાદ અને આણંદમાં ફરી અતિભારે વરસાદની શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. ડીપ ડિપ્રેશન, ચોમાસુ ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.





