Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાત પોલિયોમુક્ત: 2007 પછી એક પણ કેસ નહીં

ગુજરાતમાં પોલિયો સામેની લડતમાં મોટી સફળતા મળી છે. વર્ષ 2007 બાદ રાજ્યમાં પોલિયાનો એકપણ કેસ નોંધાયો નથી. આ વચ્ચે રાજ્ય સરકારે ત્રણ દિવસીય રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન શરૂ કર્યું છે, જેમાં 0થી 5 વર્ષ સુધીના 83.72 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 Jun 2026 12:32 PM IST
ગુજરાત પોલિયોમુક્ત: 2007 પછી એક પણ કેસ નહીંગુજરાત પોલિયોમુક્ત: 2007 પછી એક પણ કેસ નહીં

ફાઈલ ફોટો

ગાંધીનગર ગુજરાતે પોલિયો સામેની લડતમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. વર્ષ 2007 બાદ રાજ્યમાં પોલિયાનો એકપણ કેસ નોંધાયો નથી. આ સિદ્ધિને જાળવી રાખવા માટે રાજ્ય સરકારે ત્રણ દિવસીય રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાન શરૂ કર્યું છે, જેમાં 0થી 5 વર્ષના 83.72 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો કર્યો પ્રારંભ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો શુભારંભ કર્યો હતો. રાજ્યભરમાં બાળકો સુધી પોલિયોની દવા પહોંચે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યમાં 33,489 પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં 1,33,956થી વધુ આરોગ્યકર્મીઓ સેવા આપી રહ્યા છે.

બૂથ ઉપરાંત ઘર-ઘર જઈ બાળકોને પીવડાવાશે પોલિયોના ટીપાં

અભિયાનના પ્રથમ દિવસે પોલિયો બૂથ પર બાળકોને દવા પીવડાવવામાં આવી રહી છે. જે બાળકો કોઈ કારણસર બૂથ સુધી પહોંચી શકશે નહીં, તેમના માટે આરોગ્ય વિભાગની ટીમો ઘર-ઘર જઈ પોલિયોના ટીપાં પીવડાવશે. ઉપરાંત મોબાઇલ ટીમો અને ટ્રાન્ઝિટ પોઇન્ટ દ્વારા પણ બાળકો સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

2007 બાદ ગુજરાતમાં પોલિયાનો એકપણ કેસ નોંધાયો નથી: પ્રફુલ પાનશેરિયા

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું ત્રણ દિવસીય અભિયાન રાજ્યના દરેક પાત્ર બાળક સુધી પહોંચવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2007થી આજદિન સુધી ગુજરાતમાં પોલિયાનો એકપણ કેસ નોંધાયો નથી, જે આરોગ્ય વિભાગ માટે ગૌરવની બાબત છે.

ત્રણ દિવસમાં 83 લાખથી વધુ બાળકોને દવા પીવડાવવાનો લક્ષ્યાંક

પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં શહેરોથી લઈને ગામડાં અને ઝૂંપડપટ્ટી વિસ્તારો સુધી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત છે. ત્રણ દિવસ દરમિયાન 83.72 લાખથી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

'એક પણ બાળક પોલિયોની દવાથી વંચિત ન રહે'

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારે એવી વ્યવસ્થા ગોઠવી છે કે એકપણ બાળક પોલિયોની દવાથી વંચિત ન રહે. આ કામગીરીમાં જોડાયેલા આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

હજારો આરોગ્યકર્મીઓ કરશે સતત દેખરેખ

જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ અભિયાનની અસરકારક અમલવારી માટે હજારો આરોગ્યકર્મીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ જે બાળકો પ્રથમ દિવસે દવા પી શક્યા નથી, તેમની ઓળખ કરી ખાસ ફોલોઅપ ટીમો દ્વારા ઘર-ઘર જઈ પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.

વાલીઓને બાળકોને પોલિયો બૂથ સુધી લાવવા અપીલ

આરોગ્ય વિભાગ અને જિલ્લા પ્રશાસને તમામ વાલીઓને અપીલ કરી છે કે તેઓ પોતાના 0થી 5 વર્ષ સુધીના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના ટીપાં અવશ્ય પીવડાવે. જો કોઈ બાળક પ્રથમ દિવસે દવા પી શક્યો ન હોય તો આરોગ્ય વિભાગની ટીમ તેના ઘરે પહોંચી પોલિયો ડ્રોપ્સ પીવડાવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.