રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: 65થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો બૂટલેગર યાકૂબ મૂસા મોટાણી ઝડપાયો


રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: 65થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો બૂટલેગર યાકૂબ મૂસા મોટાણી ઝડપાયો


રાજકોટ: રાજકોટ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ (PCB)ને વિદેશી દારૂની હેરાફેરીના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. વર્ષોથી ગુજરાતમાં વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતા અને સાત ગુનાઓમાં વોન્ટેડ બૂટલેગર યાકૂબ મૂસા મોટાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે રાજ્યભરમાં દારૂની હેરાફેરી સંબંધિત 65થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી છેલ્લા ચાર વર્ષથી સેલવાસમાં ભાડાના ફ્લેટમાં રહી સમગ્ર રેકેટનું સંચાલન કરતો હતો. તે સેલવાસ અને આસપાસની વાઇન શોપમાંથી કાયદેસર રીતે વિદેશી દારૂ ખરીદતો અને ત્યારબાદ 'GST Invoice Manager' એપ્લિકેશનનો ઉપયોગ કરીને બનાવટી GST ઇન્વોઇસ તૈયાર કરતો હતો.
આરોપી ખુશબુ બ્યુટી કેર, બીટી બિગ બજાર, ઉમિયા સેલ્સ અને મોશન ઇન્ડસ્ટ્રીઝ જેવા નામે બોગસ બિલ બનાવી દારૂના પાર્સલ કુરિયર મારફતે ગુજરાતના વિવિધ બૂટલેગરો સુધી પહોંચાડતો હતો, જેથી કોઈને શંકા ન જાય.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે સમગ્ર રેકેટના મહત્વના પુરાવા તરીકે પોલીસે કુરિયર પાર્સલમાંથી 8 મોબાઇલ ફોન કબજે કર્યા છે. આ તમામ મોબાઇલ ફોરેન્સિક તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત કુરિયર એજન્સીઓની ભૂમિકાની પણ ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય બૂટલેગરો, કુરિયર એજન્સીઓ તેમજ આર્થિક વ્યવહારોની કડીઓ શોધી સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવાની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.




