જામનગરમાં 15 જૂને યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન



જામનગરમાં 15 જૂને યોજાશે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’, પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન



જામનગર: વિકસિત ભારતના સંકલ્પને લોકસહભાગિતા પ્રાપ્ત થાય અને સમાજના છેવાડાના માનવીને આ રાષ્ટ્રીય સંકલ્પોમાં સક્રિયપણે ભાગીદાર બનાવી શકાય તેવા ઉદાત્ત હેતુ સાથે દરેક જિલ્લા કક્ષાએ 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન'નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આગામી તા.15/06/2026 ના રોજ ધનવંતરી ઓડિટોરીયમ હોલ, જામનગર ખાતે યોજાશે. જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા રાજ્યના કેબિનેટમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને આ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. આ સંમેલનની સાથે-સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રગતિશીલ કામગીરીઓની પ્રદર્શની પણ શહેરના ટાઉનહોલ ખાતે મંત્રીશ્રી દ્વારા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવનાર છે.

આ કાર્યક્રમનું સુચારૂબ અને સફળતાપૂર્વક સંચાલન થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પૂર્વતૈયારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા કાર્યક્રમની ઝીણવટભરી વ્યવસ્થાઓ માટે વિવિધ આયોજન સમિતિઓની રચના કરવામાં આવી હતી અને ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી ફરજોની સોંપણી કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ વિશેષ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ઉપરોક્ત કાર્યક્રમ કોઈ સામાન્ય યોજનાકીય કાર્યક્રમ નથી પરંતુ એક વિશિષ્ટ ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ છે. આ સંમેલનમાં સમાજના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો, નિષ્ણાતો અને પ્રતિષ્ઠિત નાગરિકોની ગુણવત્તાસભર ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવામાં આવશે, જેના માટે પ્રભારી મંત્રીશ્રીના પરામર્શમાં એક વિશેષ યાદી તૈયાર કરાશે. આ યાદીમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતા નાગરિકો, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સન્માનિત વ્યક્તિઓ જેવા કે શ્રેષ્ઠ શિક્ષકો, એવોર્ડ વિજેતા ખેડૂતો, ખેલાડીઓ, ડોક્ટરો અને કલાકારો તેમજ પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન અને ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સન્માનિત થયેલા નાગરિકોનો સમાવેશ થશે. આ ઉપરાંત મહિલા સશક્તિકરણ, સામાજિક સેવા, પર્યાવરણ સંરક્ષણ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો, ડિજિટલ ઈનોવેશન સાથે જોડાયેલા યુવાનો, NSS/NCC/સ્કાઉટ-ગાઈડના પુરસ્કૃત વિદ્યાર્થીઓ, પૂર્વ સૈનિકો તેમજ રાષ્ટ્રસેવા અને આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર અધિકારીઓ અને નાગરિકોને પણ આ સંમેલનમાં ગૌરવભેર સહભાગી કરવામાં આવશે.
બેઠકમાં કલેક્ટરએ પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થા, પ્રદર્શની સ્ટોલ્સનું સંચાલન, કાયદો અને વ્યવસ્થા તેમજ આમંત્રિત મહાનુભાવોની યાદી તથા અન્ય અનુસંગિક સુવિધા જેવી બાબતો અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સમગ્ર કાર્યક્રમ અત્યંત સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થાય તે માટે કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીગણને ટીમ ભાવના સાથે કામ કરવા પ્રેરિત કરી જરૂરી રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પૂર્વતૈયારી અંગેની બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી વિમલ ચૌધરી સહિત વિવિધ સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



