માનવતાના અમર પ્રહરી વસંત-રજબની 80મી પુણ્યતિથિ: અમદાવાદ આજે કરશે ભાવભીની શ્રદ્ધાંજલિ



AI Generated Images
માનવતાના અમર પ્રહરી વસંત-રજબની 80મી પુણ્યતિથિ: અમદાવાદ આજે કરશે ભાવભીની શ્રદ્ધાંજલિ



AI Generated Images
અમદાવાદ: 1લી જુલાઈ,2026— દોસ્તી, બંધુત્વ અને માનવતાના અમર બલિદાનને નમન. મહાત્મા ગાંધીના સત્ય, અહિંસા અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારીને પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમદાવાદના અમર શહીદો વસંત-રજબની 80મી પુણ્યતિથિ 1 લી જુલાઈ, 2026ના રોજ ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે ઉજવાશે. વસંત-રજબનું આત્મબલિદાન માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ માનવતાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે. તેમણે ધર્મ, જાતિ કે સીમાઓથી ઉપર ઊઠીને ‘ઈન્સાનિયત’ને જીવનનું સર્વોચ્ચ ધ્યેય માન્યું અને માનવતાના રક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમનું જીવન મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે.
અમદાવાદ શહેર પોલીસે બંને શહીદોની અદ્વિતીય મિત્રતા અને આત્મબલિદાનને સન્માન આપવા માટે ઐતિહાસિક ગાયકવાડ હવેલીના પરિસરમાં તા. 1 જુલાઈ, 1946ની કરુણ પરંતુ ગૌરવશાળી ઘટનાની સ્મૃતિને જીવંત રાખતું ‘વસંત-રજબ બંધુત્વ સ્મારક’નું નિર્માણ કર્યું છે. દેશમાં આ પ્રકારનું અનોખું સ્મારક માનવતા, ભાઈચારા અને મિત્રતાનો સંદેશ આપે છે. આ સ્મારકમાં વસંત-રજબના જીવન સાથે જોડાયેલી અસલ સ્મૃતિઓ, દસ્તાવેજો અને તેમના યોગદાનનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અહીંનું વિશેષ આકર્ષણ ‘ડાયોરામા’ છે, જેમાં તે સમયની રથયાત્રા અને વસંત-રજબના મહાન આત્મબલિદાનનું જીવંત દૃશ્ય રજૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા ‘સુરક્ષા સેતુ પ્રોજેક્ટ’ના ઉપક્રમે દોસ્તી અને માણસાઈનો સંદેશ આપતા આ સ્મારકનું લોકાર્પણ તા. 1 જુલાઈ, 2015ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વસંત-રજબની શહાદત કોઈ એક ધર્મ કે સમુદાય માટે નહોતી; તે સમગ્ર માનવજાત માટેનો અમૂલ્ય સંદેશ હતો. તેમનો વિશ્વાસ ‘ઈશ્વર-અલ્લાહ’થી પણ ઉપર ‘ઈન્સાનિયત’માં હતો. તેથી જ તેમનું બલિદાન માત્ર અમદાવાદ કે ભારત પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે માનવતાની પ્રેરણાદાયી ગાથા છે. 1લી જુલાઈ બુધવાર, 2026ના રોજ વસંત-રજબની 80મી પુણ્યતિથિ નિમિત્તે આવો, આપણે તેમની મિત્રતા, ત્યાગ અને માનવતાના અમર સંદેશને હૃદયપૂર્વક નમન કરીએ.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



