વંથલી નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ફોર વ્હીલરની ટક્કરે પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત


વંથલી નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ફોર વ્હીલરની ટક્કરે પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ મોત


વંથલી: જુનાગઢ જિલ્લાના વંથલી નજીક હોનેસ હોટલ પાસે આવેલા નેશનલ હાઈવે પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા (ઉંમર 62 વર્ષ) અને તેમના પત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા (ઉંમર 60 વર્ષ) જુનાગઢ તરફથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ફોર વ્હીલર વાહને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે બંને દંપતીના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને મૃતદેહોને વંથલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. નેશનલ હાઈવે પેટ્રોલિંગ ટીમે ટ્રાફિકને નિયંત્રિત કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. આ દુર્ઘટનાના સમાચાર મળતાં ટીનમસ ગામના લોકો અને મૃતકોના પરિવારજનો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




