વલસાડના માંડવા ગામમાં લાખોના ખર્ચે બનેલું નાળું માત્ર 20 દિવસમાં જ ધસી પડ્યું, બાંધકામની ગુણવત્તા સામે સવાલ



વલસાડના માંડવા ગામમાં લાખોના ખર્ચે બનેલું નાળું માત્ર 20 દિવસમાં જ ધસી પડ્યું, બાંધકામની ગુણવત્તા સામે સવાલ



Valsad Drain Collapse: વિકાસના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના માંડવા ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના કાપરુનિયા ફળિયામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ નાળું કામ પૂર્ણ થયાના માત્ર 20 દિવસમાં જ ધસી પડતાં બાંધકામની ગુણવત્તા અને જવાબદાર અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાપરુનિયા ફળિયામાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે સામાન્ય સમયગાળામાં જ નાળું તૂટી પડતાં વિકાસના દાવાઓની પોલ ખુલી ગઈ છે.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે નાળાના બાંધકામ દરમિયાન ગુણવત્તાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાળું ધસી પડવાની સાથે સાઇટની દિવાલમાં પણ ગોબાચારી સામે આવતા સમગ્ર કામગીરી પર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જે નાળું 20 દિવસ પણ ટકી શક્યું નહીં, તે કામને મંજૂરી કોણે આપી? બિલ કેવી રીતે પાસ થયું? અને જવાબદાર અધિકારીઓએ ગુણવત્તાની તપાસ કેમ ન કરી?
આ ઘટનાએ કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપરાંત દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી સામે પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે. 20 દિવસમાં જ તૂટી પડેલું આ નાળું માત્ર એક બાંધકામના ધોવાણની ઘટના નથી, પરંતુ વિકાસના કામોની ગુણવત્તા અને તંત્રની જવાબદારી પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરે છે કે નહીં.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



