ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા સામે સરકારની મોટી પહેલ, 4 વર્ષમાં 14,925 દર્દીઓને રૂ.14.57 કરોડની સહાય


AI Generated Images
ગુજરાતમાં સિકલ સેલ એનિમિયા સામે સરકારની મોટી પહેલ, 4 વર્ષમાં 14,925 દર્દીઓને રૂ.14.57 કરોડની સહાય


AI Generated Images
Sickle Cell Anemia Gujarat: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન અને નિયમિત સારવાર માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી ‘મફત તબીબી સહાય યોજના’ હેઠળ સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
14,925થી વધુ દર્દીઓને રૂ.14.57 કરોડની સહાય
સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24થી 2026-27 દરમિયાન કુલ 14,925થી વધુ સિકલ સેલ દર્દીઓને રૂ.14.57 કરોડથી વધુની વિનામૂલ્યે તબીબી સહાય આપવામાં આવી છે. આ સહાયનો હેતુ દર્દીઓને સારવારનો ખર્ચનો બોજ ઘટાડવા સાથે તેમના આરોગ્યનું સતત રક્ષણ કરવાનો છે.
વહેલા નિદાન માટે વ્યાપક સ્ક્રીનિંગ
સરકારે સિકલ સેલ એનિમિયા સામેની કામગીરીને માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત રાખી નથી. આદિજાતિ વિસ્તારોમાં વ્યાપક સ્ક્રીનિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જેથી રોગનું વહેલું નિદાન થઈ શકે અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે.
નિયમિત દવા અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન
સિકલ સેલથી પીડિત દર્દીઓને સાતત્યપૂર્ણ રીતે નિયમિત દવાઓ, ફોલો-અપ સારવાર અને નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને જરૂરીયાત મુજબ ઉચ્ચ કક્ષાની સારવાર અને રિફરલ સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં જનજાગૃતિ
ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આશા કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. સિકલ સેલ એનિમિયા અંગે લોકોને જાગૃત કરવા અને સમયસર તપાસ તથા સારવાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
રાષ્ટ્રીય મિશન સાથે સંકલન
સિકલ સેલ એનિમિયાના સંપૂર્ણ ઉન્મૂલનના પ્રયાસોને વેગ આપવા ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય સિકલ સેલ મિશન સાથે સંકલન કરીને કામગીરી કરી રહી છે. આરોગ્ય વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી આગામી સમયમાં પણ આ કામગીરી વધુ વ્યાપક બનાવવામાં આવશે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગે જણાવ્યું છે કે આદિજાતિ સમાજના સર્વાંગી આરોગ્ય અને કલ્યાણ માટે સિકલ સેલ એનિમિયાના અસરકારક નિયંત્રણ અને નાબૂદીના પ્રયાસો સતત ચાલુ રહેશે.




