સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવાબદાર ડોક્ટર ગેરહાજર!: દર્દીઓની હાલાકી અને હવે પોસ્ટમોર્ટમમાં પણ બેદરકારી!



AI Generated Images
સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જવાબદાર ડોક્ટર ગેરહાજર!: દર્દીઓની હાલાકી અને હવે પોસ્ટમોર્ટમમાં પણ બેદરકારી!



AI Generated Images
હિતેશ ગજ્જર, ગ્રોથ નાઉ ન્યૂઝ: અમદાવાદ જિલ્લાના સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય સેવાઓની વાસ્તવિક સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. થોડા સમય પહેલાં હોસ્પિટલની અવ્યવસ્થા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓ અંગે કરવામાં આવેલા સ્ટિંગ બાદ હવે વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા મૃતદેહને કલાકો સુધી હોસ્પિટલમાં અટકાવી રાખવો પડ્યો હતો, કારણ કે જવાબદાર ડોક્ટર હાજર ન હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ માત્ર હોસ્પિટલની કામગીરી જ નહીં, પરંતુ સમગ્ર આરોગ્ય તંત્રની જવાબદારી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી ડોક્ટરોની અછત છે. હોસ્પિટલમાં ઘણી વખત જરૂરી તબીબો હાજર રહેતા નથી, જેના કારણે સામાન્ય દર્દીઓથી લઈને ગંભીર દર્દીઓ સુધીને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થિતિ એવી છે કે અનેક દર્દીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલોમાં અથવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવામાં આવે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે મહિલાઓ માટે પ્રસૂતિ જેવી મૂળભૂત અને અત્યંત જરૂરી આરોગ્ય સેવાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં જરૂરી સ્ટાફ, નિષ્ણાત ડોક્ટરો અને સુવિધાઓનો અભાવ હોવાને કારણે સામાન્ય નાગરિકોને સરકારી આરોગ્ય સેવાનો લાભ મળતો નથી.

આ જ હોસ્પિટલમાં હવે પોસ્ટમોર્ટમ જેવી સંવેદનશીલ પ્રક્રિયામાં પણ ગંભીર બેદરકારી સામે આવી છે. મૃતદેહ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ કલાકો સુધી કાર્યવાહી શરૂ ન થતાં મૃતકના પરિવારજનોને ભારે માનસિક યાતના ભોગવવી પડી હતી. મૃતકના પરિવારજનો માટે પહેલેથી જ દુઃખની ઘડી વચ્ચે આરોગ્ય વિભાગની આ બેદરકારી વધુ પીડાદાયક બની હતી. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં હાજર કર્મચારીઓ પણ યોગ્ય જવાબ આપી શક્યા નહોતા, જેના કારણે મૃતકના સગાસંબંધીઓને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી. ગ્રોથ નાઉ ટીમ દ્વારા હોસ્પિટલના જવાબદાર અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પંચનામાની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાનો જવાબ આપ્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે જો હોસ્પિટલ અને પોલીસ તંત્ર વચ્ચે યોગ્ય સંકલન જ ન હોય તો સામાન્ય નાગરિકો શા માટે તેની સજા ભોગવે?

આ ઘટના માત્ર એક દિવસની બેદરકારી નથી, પરંતુ સાણંદ હોસ્પિટલમાં ચાલી રહેલી લાંબા સમયથી ચાલતી વહીવટી અવ્યવસ્થાનું પ્રતિબિંબ છે. અગાઉ પણ દર્દીઓની સારવાર, સ્ટાફની ગેરહાજરી, સમયસર સેવા ન મળવી અને તંત્રની ઉદાસીનતા જેવા મુદ્દાઓને લઈને અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કડક સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોમાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી સરકારી હોસ્પિટલોમાં જો ડોક્ટરો હાજર ન હોય, પ્રસૂતિની પૂરતી વ્યવસ્થા ન હોય અને દર્દીઓને સતત અન્ય હોસ્પિટલોમાં ધકેલવામાં આવતા હોય, તો આવી હોસ્પિટલોના અસ્તિત્વનો હેતુ શું છે?

સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયું છે, છતાં સુધારાની વાતો માત્ર કાગળો સુધી મર્યાદિત રહી છે. હવે જરૂર છે કે આરોગ્ય વિભાગ માત્ર સ્પષ્ટતા કરીને પોતાનો બચાવ ન કરે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરોની ખાલી જગ્યાઓ ભરવામાં આવે, દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારવાર મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને વારંવાર સામે આવતી બેદરકારીઓ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આરોગ્ય સેવા કોઈ સુવિધા નહીં, પરંતુ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.
હવે સવાલ એ છે કે વારંવાર વિવાદમાં આવતા સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સામે આરોગ્ય વિભાગ ક્યારે કડક વલણ અપનાવશે? શું જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે પછી આ ઘટના પણ ફક્ત ફાઈલોમાં જ દબાઈ જશે? સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનો રાજ્ય સરકાર પાસે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



