AMCના દાવા પાણીમાં! છારાનગરમાં લોકો પાણીમાં ફસાયા, ફાયર વિભાગે 11 લોકોનું કર્યું રેસ્ક્યૂ


AI Generated Images
AMCના દાવા પાણીમાં! છારાનગરમાં લોકો પાણીમાં ફસાયા, ફાયર વિભાગે 11 લોકોનું કર્યું રેસ્ક્યૂ


AI Generated Images
Sabarmati Chharanagar Rescue: અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદે શહેરની વરસાદી પૂર્વ તૈયારીના દાવાઓ પર સવાલો ઉભા કર્યા છે. સાબરમતી વિસ્તારના છારાનગર-રબારીવાસમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અનેક પરિવારો ઘરોમાં જ ફસાઈ ગયા અને અંતે ફાયર વિભાગને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડ્યું. ફાયર વિભાગે સમયસર કામગીરી કરીને કુલ 11 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોમાં વૃદ્ધોનો પણ સમાવેશ થતો હોવાથી ટીમે વિશેષ સાવચેતી રાખી કામગીરી પૂર્ણ કરી હતી. બચાવાયેલા લોકોને પ્રાથમિક સુરક્ષા આપ્યા બાદ તેમના સંબંધીઓ અને નજીકના સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા હતા.
જોકે, આ સમગ્ર ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વરસાદી આયોજન વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. દર વર્ષે કરોડો રૂપિયાના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર પ્રોજેક્ટના દાવા કરવામાં આવે છે, છતાં સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બની જાય છે. છારાનગર જેવી વસાહતોમાં લોકોના જીવ જોખમમાં મુકાય અને બાદમાં માત્ર બચાવ કામગીરી કરવી પડે, તે તંત્રની તૈયારી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે અગાઉથી અસરકારક વ્યવસ્થા કરવામાં આવી હોત તો લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડ્યો હોત. હાલ વરસાદની આગાહી હજુ યથાવત હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ અને કાયમી ઉકેલની માંગ વધુ ઉગ્ર બની રહી છે.




