રાજકોટમાં સોશિયલ મીડિયા મિત્રતાનો કરુણ અંત: કિન્નર હોવાની જાણ થતાં યુવાને કરી હત્યા, આરોપી ઝડપાયો



AI Generated Images
રાજકોટમાં સોશિયલ મીડિયા મિત્રતાનો કરુણ અંત: કિન્નર હોવાની જાણ થતાં યુવાને કરી હત્યા, આરોપી ઝડપાયો



AI Generated Images
રાજકોટ: રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ વિસ્તારમાંથી સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મિત્રતા હત્યા સુધી પહોંચ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર યુવતી તરીકે ઓળખાણ આપી એક યુવાન સાથે સંબંધ બાંધવામાં આવ્યો હતો, પરંતુ સામેની વ્યક્તિ કિન્નર હોવાનું બહાર આવતાં વર્ષોથી ચાલતો વિવાદ અંતે હત્યામાં પરિણમ્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે.
ગત 25 જૂનના રોજ શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવેની દીવાલ નજીક સ્ત્રીના વસ્ત્રોમાં અને કોહવાયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. શરૂઆતમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન માથામાં ગંભીર ઇજાઓના કારણે હત્યા થયાનું સામે આવતાં તપાસનો દિશા બદલાઈ ગઈ હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના 20 વર્ષીય પીયુષકુમાર ખરવારની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હૈદરાબાદમાં રહેતા સમયે પીયુષનો સોશિયલ મીડિયા મારફતે ચંદનકુમાર સાથે સંપર્ક થયો હતો. ચંદને સોશિયલ મીડિયા પર પોતાને યુવતી તરીકે રજૂ કરીને પીયુષનો વિશ્વાસ જીત્યો હતો. બંને વચ્ચે નજીકનો સંબંધ વિકસ્યો હતો અને સાથે રહેવાનું પણ શરૂ કર્યું હતું.
દરમિયાન પીયુષને બાદમાં જાણ થઈ હતી કે ચંદન મહિલા નહીં પરંતુ કિન્નર છે. આ હકીકત સામે આવ્યા બાદ બંને વચ્ચે સતત ઝઘડા અને મતભેદો શરૂ થયા હતા. પીયુષ જ્યાં રોજગારી માટે જતો ત્યાં ચંદન પણ પહોંચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હૈદરાબાદથી લઈને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અંતે રાજકોટ જિલ્લાના પડવલા સુધી બંને વચ્ચેનો વિવાદ યથાવત રહ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ 21 જૂનના રોજ પડવલા સ્થિત એક કારખાનામાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપી પીયુષ ચંદનને રેલવે ટ્રેક નજીક આવેલા અવાવરુ સ્થળે લઈ ગયો હતો અને મોટા પથ્થરો વડે માથા તથા શરીરના અન્ય ભાગોમાં હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ લાશ પર પથ્થરો ઢાંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ, ટેક્નિકલ પુરાવા અને સાક્ષીઓના નિવેદનોના આધારે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી આરોપી સામે BNS કલમ 103(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધતી વખતે સાવચેતી રાખવાની અને વ્યક્તિની સાચી ઓળખની ખાતરી કરવાની જરૂરિયાત તરફ પણ ગંભીર સંકેત આપે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



