રાજકોટના શાપર 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા, માસ્ટરમાઇન્ડ સહિત 6 હજુ ફરાર


AI Generated Images
રાજકોટના શાપર 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપાયા, માસ્ટરમાઇન્ડ સહિત 6 હજુ ફરાર


AI Generated Images
રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં વૃદ્ધ ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને થયેલી ₹2.49 કરોડની ધાડ મામલે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે ત્રણ બાતમીદારોની મદદથી વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ, કાર અને બાઇક સહિત અંદાજે ₹17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કેસમાં ગ્રામ્ય પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને અંદાજે ₹76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે, હજુ પણ ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત કુલ છ આરોપીઓ ફરાર છે અને અંદાજે દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસ પકડથી દૂર હોવાનું સામે આવ્યું છે.

ખેતરમાં કામ કરનાર પૂર્વ કર્મચારીએ રચ્યું કાવતરું
પોલીસ તપાસ મુજબ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર બહાદુર બબેરિયા છે, જે વર્ષો પહેલાં જીતેન્દ્રસિંહ જાડેજાના ખેતરમાં કામ કરતો હતો. તે દરમિયાન તેને પરિવારની આર્થિક સ્થિતિ તેમજ ઘરમાં રોકડ અને દાગીના હોવાની માહિતી મળી હતી. બાદમાં મધ્યપ્રદેશમાં યોજાયેલા મેળા દરમિયાન તેણે પોતાના સાથીદારોને શાપરમાં મોટી ધાડ પાડવાની યોજના સમજાવી હતી. ત્યારબાદ આરોપીઓએ અનેક વખત સ્થળની રેકી કરીને ઘરમાં પ્રવેશવાના માર્ગો, પોલીસ સ્ટેશનનું અંતર, સીસીટીવી કેમેરા અને નાસી છૂટવાના રસ્તાઓનો અભ્યાસ કર્યો હતો.

અપશુકન માનતા એક દિવસ યોજના મોકૂફ રાખી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ 17 જૂને શાપર પહોંચવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં કાળી ચકલી પસાર થતાં તેને અપશુકન માની તેઓએ ધાડની યોજના એક દિવસ માટે મોકૂફ રાખી હતી. ત્યારબાદ 19 જૂનની રાત્રે તેઓએ ફરી યોજના અમલમાં મૂકી અને વૃદ્ધ દંપતીના ઘરમાં ઘૂસી કરોડોની લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટ બાદ ત્રણ બાઇક ચોરી કરી ફરાર
ધાડ બાદ આરોપીઓએ ભાગવા માટે આસપાસના વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલ ચોરી હતી. ત્યારબાદ બે બાઇક હિરાસર એરપોર્ટ નજીક છોડી તેઓ અગાઉથી તૈયાર રાખેલી બોલેરો કારમાં બેસીને મધ્યપ્રદેશ તરફ ભાગી ગયા હતા.
હજુ 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર
પોલીસે અત્યાર સુધીમાં વિજન માવી, રામેશ્વર ઉર્ફે પપ્પુ મચ્છાર, રાજુ ભાભોર અને સાગર મેડા સહિત અનેક આરોપીઓને ઝડપી લીધા છે. જોકે, કમલસિંહ સિંગાડ, કરણસિંહ સિંગાડ, મહોબતસિંહ, આલમસિંહ ઉર્ફે સુલસુલા, બહાદુર બબેરિયા અને નિલેશ મચ્છાર હજુ ફરાર છે.
પકડાયેલા આરોપીઓ સામે ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચોરી, લૂંટ અને ઘરફોડના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ ફરાર આરોપીઓને ઝડપવા માટે અલગ-અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે અને બાકી રહેલા દોઢ કરોડથી વધુના મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.




