રાજકોટ શાપર 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા, માસ્ટરમાઇન્ડ સહિત 6 હજુ ફરાર



AI Generated Images
રાજકોટ શાપર 2.49 કરોડની ધાડ કેસમાં વધુ 4 આરોપી ઝડપાયા, માસ્ટરમાઇન્ડ સહિત 6 હજુ ફરાર



AI Generated Images
રાજકોટ: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં 77 વર્ષીય ખેડૂત જીતેન્દ્રસિંહ જાડેજાના ઘરે થયેલી રૂ.2.49 કરોડની ધાડના કેસમાં રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને વધુ એક મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ બાતમીદારો સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.12.50 લાખની રોકડ, એક કાર, એક બાઇક સહિત કુલ રૂ.17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જોકે ગેંગના માસ્ટરમાઇન્ડ સહિત છ આરોપીઓ હજુ ફરાર છે અને દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ પણ પોલીસ હસ્તગત કરી શકી નથી.

પોલીસ તપાસમાં સમગ્ર કાવતરાનો માસ્ટરમાઇન્ડ બહાદુર બબેરિયા હોવાનું સામે આવ્યું છે. તે છ વર્ષ પહેલાં જીતેન્દ્રસિંહ જાડેજાના ખેતરમાં પેટા ભાગીયા તરીકે કામ કરતો હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ, ઘરમાં રહેલી રોકડ અને દાગીનાની સંપૂર્ણ માહિતી ધરાવતો હતો. જૂન મહિનામાં મધ્યપ્રદેશના જાંબુઆ ખાતે યોજાયેલા મેળામાં તેણે રાજુ ભાભોર અને સાગર મેડા સાથે ધાડનો પ્લાન તૈયાર કર્યો હતો. બાદમાં નિલેશ મચ્છાર, રામેશ્વર ઉર્ફે પપ્પુ અને વિજન માવી સહિત અન્ય આરોપીઓને પણ ગેંગમાં સામેલ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, 15થી 17 જૂન દરમિયાન આરોપીઓએ સતત ત્રણ દિવસ સુધી જીતેન્દ્રસિંહ જાડેજાના ઘર અને આસપાસના વિસ્તારની રેકી કરી હતી. પોલીસ સ્ટેશનનું સ્થાન, પ્રવેશ અને ભાગવાના માર્ગો તેમજ CCTV કેમેરાની માહિતી મેળવી સમગ્ર યોજના તૈયાર કરવામાં આવી હતી. 18 જૂને ધાડ મોકૂફ રાખી આરોપીઓ ચોટીલા પરત ફર્યા હતા, પરંતુ 19 જૂને ફરી શાપર આવી દિવસ દરમિયાન રેકી કર્યા બાદ રાત્રે ઘરમાં ઘૂસી ધાડને અંજામ આપ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે વિજન માવીએ જીતેન્દ્રસિંહ જાડેજા પર હુમલો કર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. ગુનો આચર્યા બાદ આરોપીઓએ ભાગવા માટે ત્રણ બાઇકની ચોરી કરી હતી અને ત્યારબાદ કાર મારફતે મધ્યપ્રદેશ તરફ ફરાર થઈ ગયા હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચોરી, લૂંટ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસ માસ્ટરમાઇન્ડ બહાદુર બબેરિયા સહિત છ ફરાર આરોપીઓની શોધખોળ તેજ બનાવી રહી છે. સાથે જ દોઢ કરોડથી વધુના બાકી મુદ્દામાલની પુનઃપ્રાપ્તિ માટે અલગ-અલગ ટીમો દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



