રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા "પ્રેરણા" નવા જીવનની પ્રોજેક્ટની શરૂઆત કરાઈ



રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા "પ્રેરણા" નવા જીવનની પ્રોજેક્ટની શરૂઆત કરાઈ



રાજકોટ: માનસિક તણાવ, ઘરેલુ વિવાદો અને આત્મહત્યાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘પ્રેરણા – નવા જીવનની પ્રોજેક્ટ’ હેઠળ માનસિક રીતે પરેશાન અને માર્ગદર્શનની જરૂરિયાત ધરાવતા લોકોને નિઃશુલ્ક કાઉન્સેલિંગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટ જિલ્લા પોલીસ કચેરી ખાતે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને હકારાત્મક અભિગમથી આ પહેલને અમલમાં મૂકવામાં આવી છે.

નિષ્ણાતો આપશે માર્ગદર્શન
આ પ્રોજેક્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાશે. તેઓ વિવિધ પ્રકારની માનસિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોનું કાઉન્સેલિંગ કરીને યોગ્ય માર્ગદર્શન આપશે. બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેન ડૉ. યોગેશ જોગસણ તેમજ ડૉ. ધારા દોશી પણ આ અભિયાનમાં પોતાની સેવાઓ આપશે.

અનેક તાલુકાઓના લોકો લાભ લઈ શકશે
પ્રેરણા પ્રોજેક્ટનો લાભ રાજકોટ જિલ્લાના વીરપુર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ, જસદણ સહિતના વિસ્તારોના નાગરિકોને મળશે. ઘરેલુ વિવાદો, માનસિક તણાવ, નિરાશા અથવા આત્મહત્યાના વિચારો જેવી ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.

પોલીસનો સંપર્ક કરવા અપીલ
રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ માનસિક તણાવ, ડિપ્રેશન અથવા અન્ય વ્યક્તિગત સમસ્યાઓથી પીડાઈ રહ્યો હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરીને કાઉન્સેલિંગ સેવા લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે સમયસર મળતું માર્ગદર્શન અને માનસિક સહારો અનેક જીવનોને નવી દિશા આપી શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



