કારમાં 'ચોર ખાનું' બનાવી દારૂની હેરાફેરીનો કીમિયો ફેલ, રાજકોટ ગ્રામ્ય LCBએ બે બુટલેગરોને ઝડપી પાડ્યા


કારમાં 'ચોર ખાનું' બનાવી દારૂની હેરાફેરીનો કીમિયો ફેલ, રાજકોટ ગ્રામ્ય LCBએ બે બુટલેગરોને ઝડપી પાડ્યા


Rajkot LCB Liquor Smuggling Hidden Car Compartment: દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અજમાવતા બુટલેગરો સામે રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે ફિલ્મી ઢબે ગોઠવાયેલા વોચ દરમિયાન પોલીસે ખાસ બનાવેલા ગુપ્ત 'ચોર ખાના'વાળી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી બે આરોપીઓને દબોચી લીધા છે.
ખાનગી બાતમીના આધારે એલસીબીની ટીમે વીરપુર પોલીસ મથક હદમાં પીઠડીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન સફેદ રંગની ટાટા ઈન્ડિકા વિસ્ટા કાર (GJ-04-BE-2973)ને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં કાર સામાન્ય દેખાતી હતી, પરંતુ વિગતવાર તપાસ દરમિયાન કારમાં ખાસ બનાવેલું ગુપ્ત 'ચોર ખાનું' મળી આવ્યું.
આ ગુપ્ત ખાનામાંથી વિવિધ બ્રાન્ડની 304 સીલપેક વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ. 54,296નો દારૂ, રૂ. 2 લાખની કાર અને રૂ. 10 હજારના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,54,296નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં ફારૂક ઇસ્માઇલભાઈ સીપાઇ (રહે. ધોરાજી) અને અમન રસુલભાઈ કુરેશી (રહે. નવાગઢ, જેતપુર)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. ફારૂક સામે લૂંટ, મારામારી અને NDPS એક્ટ હેઠળના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે અમન સામે અગાઉ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો.
વીરપુર પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિત સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઇ જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી. ભીમાણી, કે.એમ. ચાવડા, એચ.સી. ગોહીલ સહિત એલસીબીની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.




