રથયાત્રા પહેલાં રાજકોટ પોલીસની મોટી સફળતા: 16 ગેરકાયદે હથિયાર સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા


રથયાત્રા પહેલાં રાજકોટ પોલીસની મોટી સફળતા: 16 ગેરકાયદે હથિયાર સાથે આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, 5 આરોપી ઝડપાયા


રાજકોટ: અષાઢી બીજની રથયાત્રા પૂર્વે રાજકોટ શહેર પોલીસને મોટી સફળતા મળી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા હાથ ધરાયેલી ખાસ કામગીરી દરમિયાન પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB)એ આંતરરાજ્ય ગેરકાયદે હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરી મધ્યપ્રદેશના સપ્લાયર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વાંકાનેર ચોકડી નજીકથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરજાપુર ગામના શકીલ સાદીક મન્સુરીને પાંચ ગેરકાયદે હથિયાર અને 20 જીવતા કાર્ટિસ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. હથિયાર લેવા આવેલા જયસુખ ઉર્ફે જેસો વાઘેલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

શકીલની પૂછપરછ દરમિયાન અનિલ ખેતરિયા, ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા અને પ્રદીપ કરપડાના નામ સામે આવતા પોલીસે ત્રણેય આરોપીઓને પણ ઝડપી લીધા હતા. પાંચેય આરોપીઓ પાસેથી પોલીસે કુલ 10 દેશી પિસ્તોલ, 5 કટ્ટા, 1 રિવોલ્વર અને 30 જીવતા કાર્ટિસ સહિત અંદાજે ₹2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે શકીલ મન્સુરી છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગેરકાયદે હથિયારો સપ્લાય કરતો હતો. વિરનગર નજીક રૂરલ SOG દ્વારા અગાઉ ઝડપાયેલા હથિયારોનો સપ્લાયર પણ શકીલ જ હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તે એક હથિયાર ₹10 હજારથી ₹15 હજારમાં સપ્લાય કરતો હતો. રથયાત્રા પહેલાં રાજકોટ પોલીસની આ કાર્યવાહી ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે. હવે આ રેકેટ સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે અને વધુ કેટલા હથિયારો મળી શકે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




