રાજકોટમાં જમીનના વિવાદે લીધો લોહિયાળ વળાંક, ભત્રીજાના હુમલામાં બે કાકાના મોત

Rajkot Double Murder Case: શહેરમાં કૌટુંબિક જમીનના ભાગબટાવ અને પૈસાની લેતીદેતીનો લાંબા સમયથી ચાલતો વિવાદ અંતે લોહિયાળ ઘટનામાં ફેરવાયો છે. સોમનાથ સોસાયટી-2 નજીક મધરાત્રે થયેલી અથડામણમાં ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા છે, જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ સુરેશ ધોળકીયા...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Rajkot Double Murder Case: શહેરમાં કૌટુંબિક જમીનના ભાગબટાવ અને પૈસાની લેતીદેતીનો લાંબા સમયથી ચાલતો વિવાદ અંતે લોહિયાળ ઘટનામાં ફેરવાયો છે. સોમનાથ સોસાયટી-2 નજીક મધરાત્રે થયેલી અથડામણમાં ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા છે, જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ સુરેશ ધોળકીયા (55) અને રાજેશ ધોળકીયા તરીકે થઈ છે. જ્યારે હુમલામાં લાખા ધોળકીયા પણ ઘાયલ થયા છે. બીજી તરફ આરોપી હાર્દિક ધોળકીયા પણ ગંભીર રીતે ઘાયલ હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પ્રાથમિક તપાસ મુજબ, જમીનના ભાગબટાવ અને પૈસાની લેવડદેવડ અંગે છેલ્લા અઢી વર્ષથી પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. રવિવારે મોડી રાત્રે બોલાચાલી દરમિયાન મામલો ઉગ્ર બનતાં હાર્દિક ધોળકિયાએ છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સુરેશ ધોળકીયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે રાજેશ ધોળકીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતક સુરેશ ધોળકીયાના પુત્ર અને ઘાયલ લાખા ધોળકીયાની ફરિયાદના આધારે BNS કલમ 103(1), 109(1), 352 અને 118(1) સહિતની કલમો હેઠળ હાર્દિક ધોળકીયા વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

બીજી તરફ આરોપી હાર્દિક ધોળકિયાએ પણ પોલીસ સમક્ષ સામસામી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે દાવો કર્યો છે કે દાદાની જમીનના વેચાણમાંથી મળવાપાત્ર હિસ્સાને લઈને વર્ષોથી વિવાદ ચાલતો હતો. ઘટનાના દિવસે રાજેશ ધોળકીયા સહિતના લોકોએ પાઇપ અને છરી વડે તેના પર હુમલો કર્યો હતો અને પોતાના બચાવમાં હુમલાખોરોના હાથમાંથી છરી ઝૂંટવી સ્વરક્ષણમાં ઘા માર્યા હોવાનું જણાવ્યું છે. હાલ રાજકોટ પોલીસે બંને પક્ષની ફરિયાદો, ફોરેન્સિક પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. આ ઘટના પૂર્વયોજિત હુમલો હતી કે સ્વરક્ષણમાં થયેલો જીવલેણ પ્રહાર હતો, તે હવે પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.