જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવતો સુધારા વિધેયક 2026 ઐતિહાસિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવતો સુધારા વિધેયક 2026 ઐતિહાસિક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં 'જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) સુધારા વિધેયક-2026' પસાર થવાનું સ્વાગત કરતાં તેને દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવતું ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ હેઠળ પસાર થયેલું આ વિધેયક દેશની જાહેર પરીક્ષા પ્રણાલીને વધુ નિષ્પક્ષ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે. તેમણે કહ્યું કે પરીક્ષા વ્યવસ્થામાં ગેરરીતિઓ અટકાવવા માટે સરકારે મજબૂત કાનૂની વ્યવસ્થા ઉભી કરી છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તાજેતરમાં પસાર થયેલો આ કાયદો એ જ સંકલ્પનું પ્રતિબિંબ છે અને યોગ્ય ઉમેદવારોને ન્યાયસંગત તક મળે તે માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે નવા કાયદા હેઠળ પેપર લીક રેકેટમાં સંડોવાયેલા લોકો માટે કડક સજા, ભારે દંડ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી સુનાવણી તેમજ ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. જેના કારણે જાહેર પરીક્ષા પ્રણાલી વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે.
તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી યુવાનોને 'નવા ભારત'ના સાચા નિર્માતા માને છે. મેરિટના આધારે સમાન તક આપવાના આ અભિગમથી 'વિકસિત ભારત @2047'ના વિઝનને વધુ ગતિ મળશે અને અમૃતકાળ દરમિયાન વિદ્યાર્થીઓ તથા નોકરીના ઉમેદવારો માટે પારદર્શક અને મેરિટ આધારિત વ્યવસ્થા ઉભી થશે. ગુજરાત સરકાર પણ વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ 'મેરિટ ફર્સ્ટ'ના સિદ્ધાંતને અનુસરી રાજ્યના યુવાનો માટે પારદર્શક પરીક્ષા અને ભરતી પ્રણાલી સુનિશ્ચિત કરવા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત રહેશે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું.




