પાવાગઢમાં મોટી દુર્ઘટના: ધોધમાર વરસાદ વચ્ચે ભેખડ ધસી પડતાં 2 યાત્રિકોના મોત



પાવાગઢમાં મોટી દુર્ઘટના: ધોધમાર વરસાદ વચ્ચે ભેખડ ધસી પડતાં 2 યાત્રિકોના મોત



Pavagadh Landslide Tragedy: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરોઢિયે લગભગ પાંચ વાગ્યાના અરસામાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી પડતાં બે યાત્રિકો પથ્થરો અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન બંને યાત્રિકોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભારે વરસાદને કારણે પાવાગઢ ડુંગર વિસ્તારમાં અનેક સ્થળોએ જમીન ધસી પડવાની સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાના પગલે યાત્રાળુઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. મોનસૂન દરમિયાન પાવાગઢ જેવા પહાડી વિસ્તારોમાં ભુસ્ખલનની ઘટનાઓ બનવાની શક્યતા વધુ રહેતી હોવાથી યાત્રાળુઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની સલાહ આપવામાં આવી છે. હાલ સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પાટિયાપુલ નજીક વહેલી સવારે ઘટી ઘટના
મળતી વિગતો અનુસાર, આ હૃદયકંપાવનારી ઘટના આજે વહેલી સવારે આશરે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહ અને માટી ધોવાઈ જવાના કારણે પાટિયાપુલ નજીક આવેલા મોટા અને ભારે પથ્થરો અચાનક નીચે ગબડવા લાગ્યા હતા. વહેલી સવારે માતાજીના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ આ ગબડેલા પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા અને તેની નીચે દબાયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બે યાત્રિકોના મૃતદેહ મળી આવ્યા છે.
રોપ-વે ટીમ અને પોલીસનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને સ્થાનિક ટીમો એક્શનમાં આવી ગઈ હતી. ઘટનાસ્થળે સૌથી પહેલા રોપ-વેની સ્થાનિક ટીમ દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હજુ પણ કેટલાક યાત્રિકો પથ્થરોના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય અત્યંત વેગવંતું કરવામાં આવ્યું છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



