Get News Alerts

Never miss breaking news updates.

‘વન નેશન-વન ઇલેક્શન’ મુદ્દે ગુજરાતમાં JPCની મહત્વપૂર્ણ બેઠક, તમામ પક્ષોના અભિપ્રાયો લેવામાં આવશે

ગાંધીનગર: દેશમાં ‘ વન નેશન-વન ઇલેક્શન’ એટલે કે એક દેશ-એક ચૂંટણી અમલમાં લાવવાના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. આ પ્રસ્તાવને લઈને સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) હાલમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહી છે. આ જ ક્રમમાં હવે સમિતિ ગુજરાતના ગાંધીનગર પહોંચી છે, જ્યાં રાજ્ય સરકાર, રાજકીય પક્ષો અને વહીવટી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સમિતિના આ ગુજરાત પ્રવાસને મહત્વપૂર્ણ...
R Gajjar
R GajjarUpdated on: 20 May 2026 12:36 PM IST
‘વન નેશન-વન ઇલેક્શન’ મુદ્દે ગુજરાતમાં JPCની મહત્વપૂર્ણ બેઠક, તમામ પક્ષોના અભિપ્રાયો લેવામાં આવશે‘વન નેશન-વન ઇલેક્શન’ મુદ્દે ગુજરાતમાં JPCની મહત્વપૂર્ણ બેઠક, તમામ પક્ષોના અભિપ્રાયો લેવામાં આવશે

ગાંધીનગર: દેશમાં ‘ વન નેશન-વન ઇલેક્શન’ એટલે કે એક દેશ-એક ચૂંટણી અમલમાં લાવવાના મુદ્દે ચર્ચાઓ તેજ બની છે. આ પ્રસ્તાવને લઈને સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) હાલમાં વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહી છે. આ જ ક્રમમાં હવે સમિતિ ગુજરાતના ગાંધીનગર પહોંચી છે, જ્યાં રાજ્ય સરકાર, રાજકીય પક્ષો અને વહીવટી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. સમિતિના આ ગુજરાત પ્રવાસને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આગામી સમયમાં આ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. JPC દેશભરના રાજ્યોમાંથી મંતવ્યો એકત્રિત કરીને અંતિમ રિપોર્ટ તૈયાર કરશે, જે બાદમાં લોકસભાના અધ્યક્ષને સોંપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક
ગુજરાત પ્રવાસ દરમિયાન JPCના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે હાઈલેવલ બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યની ચૂંટણી વ્યવસ્થા, વહીવટી તૈયારીઓ અને એકસાથે ચૂંટણી યોજવાની સંભાવનાઓ અંગે ચર્ચા થવાની છે. સૂત્રો અનુસાર, બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ વડા (DGP), મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયામાં આવનારા પડકારો અને વ્યવસ્થાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.

રાજકીય પક્ષોના અભિપ્રાયો લેવામાં આવશે
JPC દ્વારા ગુજરાતના વિવિધ રાજકીય પક્ષોને પણ ગાંધીનગરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. સમિતિ તમામ પક્ષોના અભિપ્રાયો અને સૂચનો સાંભળશે, જેથી ચૂંટણી સુધારાને લઈને વ્યાપક રિપોર્ટ તૈયાર કરી શકાય. ભાજપ તરફથી ‘વન નેશન-વન ઇલેક્શન’ને સમર્થન આપવામાં આવ્યું છે. પાર્ટીના નેતાઓએ કહ્યું કે એકસાથે ચૂંટણી થવાથી દેશનો ખર્ચ ઘટશે અને વિકાસકાર્યોમાં ઝડપ આવશે. બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું છે કે આ મુદ્દો લોકશાહી અને જનઅધિકારો સાથે જોડાયેલો છે, તેથી તેઓ પોતાના સૂચનો અને ચિંતાઓ સમિતિ સમક્ષ રજૂ કરશે.

ત્રણ દિવસ સુધી ગુજરાતમાં રહેશે સમિતિ
પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત 39 સભ્યોની JPC ટીમ ત્રણ દિવસ માટે ગુજરાતમાં રહેશે. આ દરમિયાન વિવિધ વિભાગો, અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાશે. સમિતિની અધ્યક્ષતા વકીલ અને સાંસદ પી.પી. ચૌધરી કરી રહ્યા છે. સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોનો સમાવેશ થાય છે.

શું છે ‘વન નેશન-વન ઇલેક્શન’?
‘વન નેશન-વન ઇલેક્શન’નો અર્થ દેશભરમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવી. કેન્દ્ર સરકારનું માનવું છે કે આવું કરવાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, વહીવટી તંત્ર પરનો ભાર ઓછો થશે અને વિકાસકાર્યોમાં સતત ગતિ રહેશે. જોકે, વિરોધ પક્ષો આ મુદ્દે અલગ અલગ ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા છે. તેથી જ JPC દેશભરમાં જઈને તમામ હિતધારકોના અભિપ્રાયો મેળવી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com