ભાવનગરના મુકેશ ડાભીની શાનદાર સિદ્ધિ, વુડબોલમાં રાષ્ટ્રીય કક્ષાએ જીત્યો ગોલ્ડ મેડલ

Mukesh Dabhi Woodball Gold Medal: ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ વુડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મર્યાદિત સંસાધનો અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ મુકેશ ડાભીએ રમત...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Mukesh Dabhi Woodball Gold Medal: ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ વુડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મર્યાદિત સંસાધનો અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ મુકેશ ડાભીએ રમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો હતો. તેમણે પોતાના ખેતરને જ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ બનાવી સતત મહેનત કરી હતી.

લાકડામાંથી સાધનો બનાવી શરૂ કરી પ્રેક્ટિસ
મુકેશ ડાભી અગાઉ કબડ્ડી અને શૂટિંગ જેવી રમતો સાથે પણ જોડાયેલા રહ્યા છે. વર્ષ 2024માં તેમણે વુડબોલ રમતમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતના સમયમાં જરૂરી સ્પોર્ટ્સ કીટ ઉપલબ્ધ ન હોવાથી તેમણે લાકડામાંથી દેશી સાધનો તૈયાર કર્યા અને તેની મદદથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. સતત મહેનત, શિસ્ત અને સમર્પણના પરિણામે તેમણે ટૂંકા સમયમાં વુડબોલમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ સાથે બ્રોન્ઝ પણ જીત્યો
છત્તીસગઢમાં યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ડબલ્સ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતી તેમણે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો હતો. આ સિદ્ધિથી કોળિયાક ગામ સહિત ભાવનગર અને સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

ખેલાડી સાથે પ્રેરણાદાયી કોચની પણ ભૂમિકા
મુકેશ ડાભી માત્ર ખેલાડી તરીકે જ નહીં પરંતુ એક પ્રેરણાદાયી કોચ તરીકે પણ યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે પોતાના ગામના યુવાનોને વુડબોલની તાલીમ આપીને નવી પ્રતિભાઓને પ્રોત્સાહન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવનારા 11 ખેલાડીઓમાંથી 9 ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી ગામ, જિલ્લો અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

યોગ, પ્રાણાયામ અને દોડને આપે છે મહત્વ
મુકેશ ડાભી પોતાની દૈનિક જીવનશૈલીમાં યોગ, પ્રાણાયામ અને નિયમિત દોડને વિશેષ મહત્વ આપે છે. તેમના મતે ખેલાડી માટે શારીરિક તેમજ માનસિક ફિટનેસ સફળતાનો મહત્વપૂર્ણ આધાર છે. સરકારી ફરજ સાથે રમતગમત માટે સમય કાઢીને તેઓ યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

હવે એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતવાનું લક્ષ્ય
રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ મુકેશ ડાભીનું હવે આગામી લક્ષ્ય એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું અને દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવાનું છે. જિલ્લા રમતગમત વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારના 'ખેલ મહાકુંભ' જેવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારની પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ આપી રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મુકેશ ડાભીની સફળતા એ વાતનો પ્રેરણાદાયી દાખલો છે કે સાધનોની અછત સફળતાના માર્ગમાં અવરોધ નથી; દૃઢ સંકલ્પ, શિસ્ત અને સતત મહેનત હોય તો ગ્રામ્ય વિસ્તારની પ્રતિભા પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી શકે છે.