અમદાવાદમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન



અમદાવાદમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન



Kanad Shield Cyber Security Hackathon 2026: ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ (i-Hub Gujarat) ખાતે 'KANAD SHIELD' - સાયબર સિક્યોરિટી હેકાથોન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "આ હેકાથોન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ સાયબર ક્રાઇમ સામે લડવા ગુજરાત પોલીસને નવી દિશા આપતી એક અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે."

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આગામી 10 વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ સમસ્યા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં વૈશ્વિક સ્તરે વિસ્તરી ચૂકી છે. સમાજજીવનને સ્પર્શતા આવા ગંભીર ગુનાઓના નિવારણ માટે સહિયારા અને સઘન પ્રયાસો હાથ ધરવા અનિવાર્ય છે."

સામાન્ય રીતે મોટા પ્રોજેક્ટ્સમાં કોર્પોરેટ કંપનીઓને પ્રાથમિકતા મળતી હોય છે, પરંતુ આ હેકાથોન થકી દેશના નવયુવાનો, સ્ટાર્ટ-અપ્સ અને યુવા ઇનોવેટર્સને પોતાના મૌલિક વિચારો તથા સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રદર્શિત કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો છે તેમ નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

તેમણે ટેક્નોલોજીના આધુનિકીકરણ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, "હાલ સીસીટીવી મારફતે આપણને વિઝ્યુઅલ ફૂટેજ મળે છે, પરંતુ હવે તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઓટોમેટેડ સોફ્ટવેર સિસ્ટમ લાવવી સમયની માંગ છે. રાજ્યના તમામ સીસીટીવી નેટવર્કને ઇન્ટિગ્રેટ કરી AI-આધારિત સિસ્ટમ વિકસાવવા માટે ₹૫૧ લાખનું વિશેષ ચેલેન્જ મૂકવામાં આવ્યું છે."

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, "આ પ્રોજેક્ટ માત્ર ઇનામી રકમ જીતવા પૂરતો મર્યાદિત નથી. હેકાથોનના વિજેતા યુવાનો અને તેમના સ્ટાર્ટ-અપ્સને આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે સીધા જોડાઈને કામ કરવાની તક મળે તે દિશામાં પણ સક્રિય વિચારણા ચાલી રહી છે."
આ તકે તેમણે રાજ્યના તમામ ટેક-સેવી યુવાનોને આ સાયબર ચેલેન્જમાં જોડાઈને 'વિકસિત ગુજરાત'ના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિક, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ગૃહ સચિવ શ્રી નિપુણા તોરવણે, અમદાવાદ રેન્જ આઈજીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ, જેસીપી (ક્રાઇમ બ્રાન્ચ) શ્રી શરદ સિંઘલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સાયબર તજજ્ઞો, i-Hubના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં આઇટી નિષ્ણાતો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




