જૂનાગઢમાં વિઝાના નામે 75 લાખની છેતરપિંડી: ભાજપના આગેવાનને બનાવ્યો શિકાર, આરોપી ફરાર


જૂનાગઢમાં વિઝાના નામે 75 લાખની છેતરપિંડી: ભાજપના આગેવાનને બનાવ્યો શિકાર, આરોપી ફરાર


જૂનાગઢ: વિદેશ મોકલવાની અને વિઝા અપાવી આપવાની લાલચ આપી ભાજપના એક આગેવાન સાથે અંદાજે 75 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. કેસ અંગે ડીવાયએસપી હિતેષ ધાધલિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતો જાહેર કરી હતી.
વિશ્વાસમાં લઈને તબક્કાવાર પડાવ્યા લાખો રૂપિયા
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અજયસિંહ વાઘેલાએ ફરિયાદી અને તેમના ઓળખીતાને વિદેશ મોકલવા તથા વિઝા અપાવવાનું આશ્વાસન આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ અલગ-અલગ તબક્કામાં બેંક મારફતે કુલ 75 લાખ રૂપિયા મેળવ્યા હતા.
15 લાખ પરત આપી વિશ્વાસ જાળવ્યો
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે સમયાંતરે અંદાજે 15 લાખ રૂપિયા પરત પણ આપ્યા હતા. પરંતુ બાદમાં બાકીની રકમ પરત આપવાને બદલે સતત બહાનાં બનાવતો રહ્યો.
મોબાઈલ બંધ કરી ફરાર થયો આરોપી
ફરિયાદી દ્વારા વારંવાર સંપર્ક કરવા છતાં આરોપી સંતોષકારક જવાબ આપતો ન હતો. અંતે તેણે પોતાનો મોબાઈલ ફોન પણ બંધ કરી દીધો હતો. ત્યારબાદ ફરિયાદીને છેતરપિંડી થયાની શંકા જતાં તેમણે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદમાં પણ નોંધાઈ ચૂકી છે ફરિયાદ
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અજયસિંહ વાઘેલા વિરુદ્ધ આ પ્રકારની છેતરપિંડીનો કેસ અગાઉ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયો હતો. હાલ આરોપી ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસે નાગરિકોને કરી મહત્વની અપીલ
ડીવાયએસપી હિતેષ ધાધલિયાએ નાગરિકોને અપીલ કરી છે કે વિદેશ મોકલવા, વિઝા અપાવવા અથવા નોકરી અપાવવાના નામે કોઈ વ્યક્તિ મોટી રકમ માંગે તો તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ નાણાકીય વ્યવહાર કરવો. શંકાસ્પદ વ્યક્તિ સામે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.




