જેતપુરમાં ટેક્સ ચોરીનું મેગા કૌભાંડ! એક જ નંબર પ્લેટ પર દોડતી 10 લક્ઝરી બસો ઝડપાઈ, ₹1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત



AI Generated Images
જેતપુરમાં ટેક્સ ચોરીનું મેગા કૌભાંડ! એક જ નંબર પ્લેટ પર દોડતી 10 લક્ઝરી બસો ઝડપાઈ, ₹1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત



AI Generated Images
Jetpur Luxury Bus Tax Scam: રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડતું એક ચોંકાવનારું ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ખાનગી લક્ઝરી ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા એક જ રજીસ્ટ્રેશન નંબરની નકલી નંબર પ્લેટ બનાવી અનેક બસો અલગ-અલગ રૂટ પર દોડાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે 10 લક્ઝરી બસ, એક ઓમ્ની કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત ₹1.55 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા લોકોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

બાતમીના આધારે ખુલ્યો મોટો ખેલ
જેતપુર ઉદ્યોગનગર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન 'શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ'ની એક બસને રોકી તપાસ કરવામાં આવી હતી. બસ પર AR-01-U-9905 નંબર લખાયેલો હતો, પરંતુ ડ્રાઇવર પાસે વાહન સંબંધિત કોઈ દસ્તાવેજ ન હતા. પૂછપરછ દરમિયાન ડ્રાઇવરે કબૂલાત કરી કે બસ પર તેના ભાઈની બસનો નંબર લગાવવામાં આવ્યો છે.

એક જ નંબરની બે બસ જોઈ પોલીસ પણ ચોંકી
પોલીસ આ બસની તપાસ કરી રહી હતી ત્યારે થોડા જ સમયમાં એ જ નંબર ધરાવતી બીજી બસ ત્યાં પહોંચી ગઈ. એક જ રજીસ્ટ્રેશન નંબર ધરાવતી બે બસો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને બસોને કબજે લઈને વધુ તપાસ કરતા સમગ્ર કૌભાંડના તાર ખુલવા લાગ્યા. ત્યારબાદ પોલીસે જેતપુર-જૂનાગઢ હાઈવે પર આવેલા પાવન ટ્રાવેલ્સના ડેલા પર દરોડો પાડતા GJ-14-T-0932 નંબર ધરાવતી વધુ ચાર બસો મળી આવી હતી. તમામ બસોમાં નકલી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સરકારને ટેક્સ અને વીમામાં લાખોનું નુકસાન
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે એક જ રજીસ્ટ્રેશન નંબરની અલગ-અલગ બસો સૌરાષ્ટ્ર, સુરત અને દક્ષિણ ગુજરાતના રૂટ પર દોડાવવામાં આવતી હતી. આ રીતે આરટીઓ ટેક્સ, વીમા અને અન્ય સરકારી ફીની મોટી ચોરી કરવામાં આવતી હતી. આ પ્રકારનું કૌભાંડ માત્ર ટેક્સ ચોરી પૂરતું જ નહીં પરંતુ મુસાફરોની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ઉભું કરતું હોવાનું પોલીસનું માનવું છે. અકસ્માત સર્જાય તો સાચી અને નકલી બસ ઓળખવી પણ મુશ્કેલ બની શકે તેવી સ્થિતિ સર્જાઈ શકે.
ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો
પોલીસે પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ જયસ્વાલ અને કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ બે અલગ-અલગ ગુના નોંધ્યા છે. હાલ ત્રણેય આરોપીઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર રેકેટમાં અન્ય વ્યક્તિઓ અથવા સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
RTO અને ટોલ પ્લાઝા પર પણ સવાલ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગોરખધંધો છેલ્લા બે-ત્રણ મહિનાથી નહીં પરંતુ લાંબા સમયથી ચાલી રહ્યો હોવાની શક્યતા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે એક જ નંબર પ્લેટ ધરાવતી અનેક બસો રાજ્યભરના હાઈવે પર દોડતી રહી છતાં RTO, ટોલ પ્લાઝા અને ચેકિંગ એજન્સીઓની નજરમાંથી કેવી રીતે બચી ગઈ? પોલીસ હવે વાહનોના દસ્તાવેજો, RTO રેકોર્ડ અને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસમાં વધુ મોટા ખુલાસા અને વધુ ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



