જામનગરમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી, અનેક લોકો ઈજાગ્રસ્ત; ફાયર વિભાગનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન


જામનગરમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી, અનેક લોકો ઈજાગ્રસ્ત; ફાયર વિભાગનું યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન


જામનગર: શહેરના રાજ્પાર્ક નજીક આવેલા રંગમતી પાર્કની બે ચબૂતરાવાળી શેરીમાં શનિવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. એક રહેણાંક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં બે થી ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ ગયો હોવાની આશંકા વ્યક્ત થતાં ફાયર વિભાગે તાત્કાલિક યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ નીચે દબાયેલા વ્યક્તિને બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો હતો.
સ્થળ પર મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ જ જાનહાનિ અને નુકસાન અંગેનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને મકાન ધરાશાયી થવાનું ચોક્કસ કારણ જાણવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




