‘એક નામ નહીં, એક અધ્યાય તરીકે ઓળખાશે’: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી



‘એક નામ નહીં, એક અધ્યાય તરીકે ઓળખાશે’: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી



અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત 12 વર્ષના સફળ કાર્યકાળ અને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ચૂંટાયેલા વડાપ્રધાન તરીકેના ઐતિહાસિક રેકોર્ડને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અને પ્રેરણાદાયી નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર ચૂંટણી જીતીને નહીં, પરંતુ દેશના કરોડો લોકોના દિલ જીતીને શાસન કર્યું છે. તેમણે કહ્યું કે ગુજરાતના દરેક નાગરિક વતી તેઓ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા 12 વર્ષ અનેક વર્ગો માટે આશીર્વાદ સમાન રહ્યા છે. કેવડિયાના આદિવાસી વિસ્તારોના વિકાસથી લઈને શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સુધી, અનેક ઐતિહાસિક નિર્ણયો દેશના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, "નરેન્દ્ર મોદી માત્ર એક વ્યક્તિનું નામ નથી, પરંતુ ભારતના રાજકીય ઇતિહાસનો એક અધ્યાય છે. આવનારી પેઢીઓ આ સમયગાળાને 'મોદી યુગ' તરીકે ઓળખશે."
તેમણે વધુમાં જણાવ્યું કે, લોકશાહીના ઇતિહાસમાં પહેલી વખત એવો સમય આવ્યો છે જ્યારે કોઈ નેતા એકપણ દાગ વિના આટલા લાંબા સમય સુધી દેશનું નેતૃત્વ કરી શક્યા છે. ત્રણ લોકસભા ચૂંટણીમાં સતત જનસમર્થન મેળવી વડાપ્રધાન તરીકે ચૂંટાવું એ અસાધારણ જનવિશ્વાસનું પ્રતિબિંબ છે.
પંડિત જવાહરલાલ નેહરુના સૌથી લાંબા કાર્યકાળના રેકોર્ડનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજના સમયમાં અનેક પ્રાદેશિક પક્ષો, સોશિયલ મીડિયા અને સતત જાહેર નિરીક્ષણ વચ્ચે આ સિદ્ધિ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. અંતમાં તેમણે કહ્યું કે, "હું માત્ર નાયબ મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ દેશના એક સામાન્ય નાગરિક તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલામ કરું છું. તેમણે દેશના દરેક નાગરિકને સાથે લઈને વિકાસ અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે."

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



