Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં 2,389 મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો, CM ભૂપેન્દ્ર પટેલે આપી પારદર્શક અને સંવેદનશીલ વહીવટની શીખ

રાજ્યના મહેસૂલી વહીવટને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગના કુલ 2,389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ વિભાગમાં ડિજિટલ પરિવર્તનને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ પગલાં પણ લેવામાં આવ્યા.
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 06:16 PM IST
ગાંધીનગરમાં 2,389 મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો, CM ભૂપેન્દ્ર પટેલે આપી પારદર્શક અને સંવેદનશીલ વહીવટની શીખગાંધીનગરમાં 2,389 મહેસૂલી તલાટીઓને નિમણૂકપત્રો, CM ભૂપેન્દ્ર પટેલે આપી પારદર્શક અને સંવેદનશીલ વહીવટની શીખ

AI Generated Images

Gujarat Revenue Talati Appointment 2026: રાજ્યના મહેસૂલી વહીવટને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે ગાંધીનગર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેસૂલી તલાટી વર્ગ-3 સંવર્ગના કુલ 2,389 નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના મહેસૂલ વિભાગમાં ડિજિટલ પરિવર્તનને વધુ વેગ આપતા મહત્વપૂર્ણ પગલાં પણ લેવામાં આવ્યા.

Image

કાર્યક્રમ દરમિયાન રાજ્યની મહેસૂલી સેવાઓને વધુ સ્માર્ટ, ઝડપી અને પેપરલેસ બનાવવા માટે iRCMS પોર્ટલ પર નવી ઇ-ફાઇલિંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે જ નાગરિકોના પ્રતિસાદને સીધો અને અસરકારક રીતે મેળવવા માટે QR કોડ આધારિત "REVA – Revenue Voice and Assistance" સિસ્ટમનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં નવનિયુક્ત તલાટીઓને તેમની જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, માત્ર સરકારી નોકરી મેળવવી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ સમાજ અને ગ્રામ્ય વિકાસમાં પોતાની ભૂમિકાને સમજવી વધુ જરૂરી છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે ગામમાં તલાટીને ચાલતું-ફરતું કમ્પ્યુટર માનવામાં આવતું હતું, કારણ કે ગામની તમામ મહત્વની માહિતી તેની પાસે ઉપલબ્ધ રહેતી હતી.

Image

તેમણે જણાવ્યું કે ગ્રામ પંચાયત અને ગામડાના વહીવટમાં તલાટીનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. તલાટી પોતાની કાર્યશૈલી અને લોકો સાથેના વ્યવહાર દ્વારા સમાજનો વિશ્વાસ અને આશીર્વાદ મેળવી શકે છે, જ્યારે બેદરકારી અથવા ગેરવર્તનથી લોકોનો રોષ પણ ભોગવવો પડી શકે છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે તલાટી સરકારની કરોડરજ્જુ સમાન છે. તેમની પાસે રહેલી માહિતી, સત્તા અને હોશિયારીનો ઉપયોગ લોકોના હિત માટે થવો જોઈએ, દુરુપયોગ માટે નહીં. તેમણે નવનિયુક્ત કર્મચારીઓને પારદર્શિતા, જવાબદારી અને પ્રામાણિકતા સાથે કામગીરી કરવાની સલાહ આપી હતી.

સરકારી વહીવટમાં સંવેદનશીલતા જાળવવા પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે સામાન્ય નાગરિકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સમયસર પ્રતિસાદ આપવો અને તેમની રજૂઆતો સાંભળવી એ દરેક અધિકારીની ફરજ છે. તેમણે પોતાના જાહેરજીવનના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે પ્રજાના પ્રશ્નોનો ઝડપી નિકાલ સારા શાસનની ઓળખ છે.

કાર્યક્રમ દરમિયાન ભરતી પ્રક્રિયામાં વેરિફિકેશન સંબંધિત વિલંબને ઘટાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી કે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને અનાવશ્યક વિલંબ ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે. આ કાર્યક્રમ રાજ્યના મહેસૂલ તંત્રને વધુ આધુનિક, ટેક્નોલોજી આધારિત અને જનકેન્દ્રિત બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com