ગુજરાતમાં વરસાદી તાંડવ વચ્ચે રાહત કમિશ્નરની મોટી જાહેરાત: 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 2 હજારથી વધુનું રેસ્ક્યુ


AI Generated Images
ગુજરાતમાં વરસાદી તાંડવ વચ્ચે રાહત કમિશ્નરની મોટી જાહેરાત: 40 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 2 હજારથી વધુનું રેસ્ક્યુ


AI Generated Images
Gujarat Heavy Rain Relief Commissioner Press Conference: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાહત કમિશ્નર ગૌરાંગ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યની હાલની સ્થિતિ અને સરકાર દ્વારા હાથ ધરાયેલી રાહત કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. રાહત કમિશ્નરે જણાવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી છે અને આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી તમામ તંત્રને સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપી છે.
હાલ રાજ્યમાં NDRFની 17 અને SDRFની 32 ટીમો કામગીરી કરી રહી છે. નવસારી, વલસાડ અને અમદાવાદમાં આર્મીની બે કોલમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે વધુ ચાર કોલમને રિઝર્વમાં રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને 2 હજારથી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નવસારીમાં ગંભીર પરિસ્થિતિને કારણે હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ પણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં હાલ 1100 જેટલા રસ્તાઓ પાણી ભરાવા અને નુકસાનને કારણે બંધ છે, જ્યારે 1600થી વધુ એસટી બસ ટ્રિપ્સ રદ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 5 લોકોના મૃત્યુ નોંધાયા છે.
સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ સહાયની ચૂકવણી શરૂ કરવામાં આવી છે. આશરે ₹40 કરોડની સહાય કેશડોલ મારફતે આપવામાં આવશે અને વલસાડ તથા નવસારીમાં આ કામગીરી શરૂ થઈ ચૂકી છે. ઉપરાંત, 94 ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનું જણાવતા રાહત કમિશ્નરે કહ્યું કે પાણી ઓસરતાં જ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે.
રાહત કમિશ્નરે જિલ્લા કલેક્ટરોને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજોમાં રજા જાહેર કરવાની સત્તા પણ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.




