વિદેશ અભ્યાસનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ



વિદેશ અભ્યાસનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ



Gujarat Foreign Study Loan Scheme: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઇચ્છા ધરાવતા ગુજરાતના બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે મહત્વનો અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ. 6 લાખથી વધારીને રૂ. 10 લાખ કરવામાં આવી છે.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વ હેઠળ વિભાગ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી અગાઉ આવક મર્યાદાને કારણે યોજનાનો લાભ મેળવી શકતા ન હોય, તેવા અનેક વિદ્યાર્થીઓ હવે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવવા પાત્ર બની શકશે.
₹6 લાખની મર્યાદા હવે ₹10 લાખ
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે અભ્યાસની ફી, રહેવા-જમવા સહિતના વિવિધ ખર્ચને પહોંચી વળવા શૈક્ષણિક લોન મહત્વપૂર્ણ સહારો બની શકે છે. અત્યાર સુધી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા રૂ. 6 લાખ હતી. હવે રાજ્ય સરકારે આ આવક મર્યાદામાં રૂ. 4 લાખનો વધારો કરીને તેને રૂ. 10 લાખ કરી છે એટલે કે, હવે રૂ. 10 લાખ સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા બિન અનામત વર્ગના પાત્ર વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશે.
વધુ વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીઓ સુધી પહોંચવાની તક
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આર્થિક રીતે મધ્યમ આવક ધરાવતા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર આવક મર્યાદાના કારણે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાની તકથી વંચિત ન રહે.
વિદેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરની શિક્ષણ પદ્ધતિ, આધુનિક ટેક્નોલોજી, સંશોધન અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની તક મળે છે. આવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે અને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ગુજરાત તથા દેશના વિકાસમાં પણ યોગદાન આપી શકે છે.
આથી, આવક મર્યાદામાં કરાયેલો આ વધારો ‘વધુ વિદ્યાર્થીઓને તક અને વધુ યુવાનોને વૈશ્વિક શિક્ષણ’ તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




