કેબિનેટના મહત્વના નિર્ણયો: નમો સ્વચ્છતા અભિયાન, નેચર ફાર્મિંગને પ્રોત્સાહન અને MSP પર મગની ખરીદીની જાહેરાત



કેબિનેટના મહત્વના નિર્ણયો: નમો સ્વચ્છતા અભિયાન, નેચર ફાર્મિંગને પ્રોત્સાહન અને MSP પર મગની ખરીદીની જાહેરાત



ગાંધીનગર: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં સ્વચ્છતા, કૃષિ, શિક્ષણ, રોજગારી અને જળ સંચયને કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટમાં થયેલી ચર્ચા અને નિર્ણયો અંગે માહિતી આપી હતી. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની શરૂઆત કરી છે. આ અભિયાનને જનઆંદોલન બનાવવા માટે દર મહિનાના પ્રથમ રવિવારે ભાજપના તમામ જનપ્રતિનિધિઓને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા સૂચના આપવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં પણ નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવા વિભાગીય વડાઓ અને મંત્રીઓને સૂચના આપવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કેબિનેટે ‘નેચર ફાર્મિંગ’ વિષયને B.Sc એગ્રીકલ્ચર ડિગ્રી સાથે સંલગ્ન ગણવાનો નિર્ણય કર્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળશે અને યુવાનોમાં પણ આ ક્ષેત્ર પ્રત્યે રસ વધશે. વડોદરામાં યોજાયેલી મધ્ય ઝોનની વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સની પણ કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ દરમિયાન 3 હજારથી વધુ એમઓયુ થયા હોવાનું જણાવાયું છે, જેના કારણે અંદાજે 2 લાખથી વધુ લોકોને રોજગારીની તકો ઉપલબ્ધ થશે. શિક્ષણ ક્ષેત્રે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવની સમીક્ષા પણ કરવામાં આવી હતી. રાજ્યની 37,211 શાળાઓ આ અભિયાનમાં આવરી લેવામાં આવી હતી, જેમાં 88,143 મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત 71 હજારથી વધુ વિદ્યાર્થીઓનું પુનઃ નામંકન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું.
જળ સંચય માટે રાજ્ય સરકારે કરેલા પ્રયાસોની વિગતો આપતાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં 3,600 ચેકડેમનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત 1,277 કિલોમીટર લાંબી કેનાલોની કાંસ સફાઈનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેના કારણે જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે. ખેડૂતો માટે રાહતરૂપ નિર્ણય તરીકે રાજ્ય સરકારે ઉનાળુ મગની MSP ભાવથી ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં 14,483 ખેડૂતોનું નોંધણી કાર્ય પૂર્ણ થયું છે અને રાજ્યના 51 ખરીદ કેન્દ્રો પરથી MSP દરે મગની ખરીદી કરવામાં આવશે. જોકે કેબિનેટમાં સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવવાની ચર્ચા થઈ હોવા છતાં, તાજેતરમાં ચર્ચામાં રહેલા વીજપોલ મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



