Get News Alerts

Never miss breaking news updates.

ઘોઘાના કરેડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો સંદેશ, ખેતરમાં હળ ચલાવી ખેડૂતોને પ્રેરણા આપી

ભાવનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને પરંપરાગત કૃષિ સંસ્કૃતિને જીવંત રાખવાના સંદેશ સાથે જાતે હળ ચલાવી કૃષિ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘એક પેડ...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 01:41 PM IST
ઘોઘાના કરેડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો સંદેશ, ખેતરમાં હળ ચલાવી ખેડૂતોને પ્રેરણા આપીઘોઘાના કરેડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો સંદેશ, ખેતરમાં હળ ચલાવી ખેડૂતોને પ્રેરણા આપી

ભાવનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ ખેતરમાં વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો અને પરંપરાગત કૃષિ સંસ્કૃતિને જીવંત રાખવાના સંદેશ સાથે જાતે હળ ચલાવી કૃષિ કાર્યમાં સહભાગી બન્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંદેશ સાથે દરેક નાગરિકને વૃક્ષારોપણ માટે પ્રેરિત કર્યા હતા.

ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર એક વૈકલ્પિક પદ્ધતિ નહીં પરંતુ ધરતીમાતા, પર્યાવરણ અને માનવ આરોગ્યના રક્ષણનો ટકાઉ માર્ગ છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને માનવ આરોગ્ય પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને બહુવિધ પાક પદ્ધતિ જેવા પાંચ મુખ્ય આધારસ્તંભો છે, જેના કારણે જમીનની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા લાંબા ગાળે વધે છે.

રાજ્યપાલએ પોતાના અનુભવનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ વર્ષોથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે અને આ પદ્ધતિ દ્વારા ઉત્તમ ઉત્પાદન મેળવવાની સાથે જમીનની ઉપજાઉ શક્તિમાં પણ સતત વધારો થયો છે. તેમણે ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના થોડા ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવાની સલાહ આપી હતી. સાથે જ કૃષિ વિભાગ અને આત્મા વિભાગને ગામડાં સુધી જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો પહોંચાડીને વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને સફળ પ્રાકૃતિક મોડલ ફાર્મોની મુલાકાત કરાવવાથી તેઓ ઓછા ખર્ચે વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને આત્મનિર્ભર ખેતીની દિશામાં આગળ વધી શકે છે. આવા પ્રયોગો ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એન. પરમાર તેમજ મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com